ગણદેવી પોલીસે ખારેલ ઓવરબ્રિજ પાસેથી દારૂ સાથે ઇનોવા ઝડપી લીધી

નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી એક સિલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર (નં. જીજે-15-બીબી-1910) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 25,600 રૂપિયાની વિદેશી દારૂની 32 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે નવસારીના કબીલપોર જામપીર દરગાહની બાજુમાં હરીનગર સોસાયટીમાં રહેતા નીતીનભાઇ રતિલાલ ટેલરને ઝડપી પાડયો હતો. પોલીસે નીતીનભાઇની પુછપરછ કરતા નવસારી સીંધીકેમ્પમાં રહેતા મનોહરભાઇ ઉર્ફે મનુભાઇ સાવલદાસ કંજાણીએ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મનોહરભાઇ ઉર્ફે મનુભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ધટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લે 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *