નવસારી જિલ્લા કોંગ્રેસ સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કૃષિ કાયદા રદ કરવા સહિતના મુદ્દે કરવામાં આવેલા ભારત બંધના એલાન પર નવસારી જિલ્લામાં પોલીસે પાણી ફરવી દીધુ છે. પોલીસે હાઇવે ચક્કાજામ કરે તે પુર્વે જ કિસાન મોર્ચાના આગેવાનોને ડિટેઇન કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર સામે સંયુક્ત કિસાન મોર્ચાના નેતૃત્વમાં ખેડુતો આંદોલન કરી રહ્યા છે. જેથી આજે 27મી સપ્ટેમ્બરે સોમવારે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું ઍલાન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ કાયદા રદ કરવા, મોંઘવારી ઘટાડવા, બેરોજગારી ઘટાડવા, દેશની રાષ્ટ્રીય સંપત્તિનું ખાનગીકરણ અટકાવવા બાબતે નવસારી જિલ્લા કોંગ્રેસ કિસાન મોર્ચા દ્વારા નવસારીથી પસાર થતો નેશનલ હાઇવે નં. 48 બ્લોક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે સવારે હાઇવે ચક્કાજામ કરે તે પૂર્વે જ પોલીસે કિસાન મોર્ચાના આગેવાનોને ડિટેઇન કરી દીધા હતા. જ્યારે હાઇવે પર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
