સ્ટંટ માટે પીસીઆરનો ઉપયોગ થતાં બીલીમોરાના ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં પાર્ક કરેલી પોલીસ પીસીઆર વાનમાંથી યુવકે ઉતરી જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સ્ટંટ કરનાર તથા તેની સાથેના બીજા 3 મળીને 4ની ધરપકડ કરી છે. જ્યારે પીસીઆર વેનનો આ સ્ટંટ કરવા માટે ગેરકાયદેસર ઉપયોગ કરવા દેવા બદલ અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર 3 પોલીસ કર્મીઓને પણ જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કર્યા છે. હાલ સોશિયલ મિડીયાનો યુગ ચાલી રહ્યો છે. કેટલાક લોકો પબ્લિકનું ધ્યાન ખેîચવા માટે વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઇરલ કરતા હોય છે. જે વાઇરલ વિડીયોના પગલે યુવાનો-યુવતીઓ પ્રખ્યાત પણ થતા હોય છે. બીલીમોરા(BILIMORA)માં મોટું શંકર ભગવાનનું સોમનાથ મંદિર(SOMNATH TEMPLE) આવ્યુ છે. જ્યાં ગત રોજ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી વિવિધ સ્થળોએથી શિવ ભક્તો દર્શન માટે બીલીમોરા સોમનાથ મંદિરે ગયા હતા. પરંતુ ત્યાં 3 યુવાનોએ સ્ટંટનો વિડીયો બનાવી વાઇરલ કરવાનું ભારે પડ્યું હતું.

સોમવારે મંદિર પરિસરમાં વાન સાથે ત્રણ પોલીસ કર્મીઓ ફરજ બજાવતા હતા. દરમિયાન પીસીઆર વાનનો દરવાજો ખોલી તેમાંથી ગૌરાંગ શશીકાંત પટેલ પાછળની સીટમાંથી ઉતરીને જોખમી સ્ટંટ કરતો જોવામાં આવ્યો હતો. જોખમી સ્ટંટ જોઈને ત્યાં હાજર લોકો પણ અચંબામાં પડી ગયા હતા. તેની સાથે આવેલા હર્ષ ધનસુખ ટંડેલે પીસીઆરનો દરવાજો ખોલી ગૌરાંગ શશીકાંત પટેલને બહાર નીકળવામાં મદદ કરી હતી, જ્યારે તેઓ સાથેનાં એક સગીરે તેના મોબાઇલ ફોનમાં સ્ટંટ રેકોર્ડિંગ કર્યું હતું. તો વિશાલ રાજેન્દ્ર પ્રજાપતિએ આ જોખમી સ્ટંટને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. વિડીયો(VIDEO) ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈને ધૂમ મચાવી દીધી હતી. જેને કારણે મોટો હોબાળો મચી ગયો હતો. જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો. તે જિલ્લા પોલીસ વડાને પણ ધ્યાને આવતા આવા જોખમી સ્ટંટ માટે પોલીસ વાનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો તે અંગે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી પોલીસે ગૌરાંગ શશીકાંત પટેલ(20), હર્ષ ધનસુખ ટંડેલ(20), વિશાલ રાજેન્દ્ર પ્રજાપતિ(19) તથા એક સગીર (તમામ રહે ઓરિયા મોરિયા, અર્બન હેલ્થ સેન્ટરની પાછળ, બીલીમોરા)ની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા હતા.

જ્યારે આ સ્ટંટ કરવા માટે પોલીસની પીસીઆર વાન જીજે 21જી1082 નો ગેરકાયદેસર ઉપયોગ કરવા દેવા બદલ હેડ કોન્સ્ટેબલ હિરેન મનુ પટેલ, ડ્રાઇવર ધર્મેશ સાહેબરાવ પાટીલ અને કોન્સ્ટેબલ ભવન નાથુભાઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા રીષીકેશ ઉપાધ્યાયએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના બાબતે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ. જેમાં પોલીસ વડાએ જણાવ્યું હતું કે, યુવાનોએ સોમવારે વિડીયો બનાવ્યો હતો. જેમાં પોલીસ વાનનો ઉપયોગ કર્યો હોવાથી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ફરજમાં બેદરકારી બદલ પોલીસ વાન ઇન્ચાર્જ હિરેન પટેલ, ડ્રાઇવર ધર્મેશ પાટીલ અને પોલીસ જવાન પવન ભોયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *