ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે : પદ્મદર્શન વિજયજી

જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો ઉપર આપણું જીવન બને છે. અત્યારે ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે. પહેરવેશ, વાણી અને વ્યવહાર બદલાયા છે. મોબાઇલ, ઇન્ટરનેટ દ્વારા કુસંસ્કારોની આગ સર્વત્ર વ્યાપ્ત બની છે. જેના કારણે કષાયોએ માઝા મૂકી છે. પાપ તો સાપ કરતાં પણ ખતરનાક છે. સાપનો ડંખ એક ભવ બરબાદ કરશે, પણ પાપની પરંપરા ભવોભવને બરબાદ કરશે, પુણ્યવૃદ્વિ કરતાં પણ પાપશુદ્વિ મહત્ત્વની છે. જીવનમાં કરેલાં પાપોનું પ્રાયશ્વિત સદગુરુ પાસે એકવાર અવશ્ય કરી લેવું જોઇએ. ભવભીરુ અને પાપભીરુ એવા સદગુરુ પાસે જીવનની કાળી કિતાબ ખુલ્લી મૂકી દો. જીવનની ચાદર સદગુરુની લોન્ડ્રીમાં ધોઇને સાફ કરી નાંખો. જીવનમાં ક્યારેય હતાશ કે નિરાશ થશો નહીં. અશુદ્વિઓને દૂર કરી શુદ્વ કરવા માટે તનતોડ સફળ પ્રયત્ન કરવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *