ચીખલી પંથકમાં સતત મેઘમહેર વચ્ચે વધુ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચીખલી અને ઉપરવાસમાં સતત વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીના સાદકપોર અને તલાવચોરા સ્થિત જુના લો-લેવલ પુલ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન મેઘાનું જોર વધ્યું હતુ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રિના બાર વાગ્યાના બે કલાક દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં જ 40 મી.મી. વરસાદ નોંધાયો હતો. વીજળીના તીવ્ર ચમકારા અને કડાકા-ભડાકાને લીધે એક સમયે ભયાવહ સ્થિતિ ઊભી થઇ હતી અને વીજળી પણ ડૂલ થઇ જતા અંધારપટ છવાયો હતો. જો કે ત્યારબાદ પણ ધીમી-ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી હતી અને વાંસદા જૂજ ડેમ હાઈ એલર્ટ પર હોય કાવેરી નદીમાં પાણીની સપાટી વધીને અગિયાર ફૂટ કરતા વધુ ચીખલીમાં જોવા મળી હતી. કાવેરી નદીમાં ચીખલી સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પૂરના પાણી ધૂસી જતા શિવલિંગનો જળાભિષેક થયો હતો. સાથે સાદકપોર તલાવચોરા સ્થિત કાવેરી નદીના લો-લેવલ પૂલ પૂરના પાણીમાં ગરકાવ થયા હતા.
