વલસાડમાં છ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ

વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી 2 કલાક દરમિયાન 3 ઈંચ અને 2 થી 3 કલાક દરમિયાન 2 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડ શહેરની સાથે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવનને ભારે અસર પહોંચી હતી. માત્ર રાત્રિ દરમિયાન જ ખાબકેલા ભારે વરસાદને લઈ સમગ્ર વહીવટી તંત્ર સાબદુ થઈ ગયું હતું. ‘ગુલાબ’ વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતને ભરડામાં લેનાર આ ‘ગુલાબ’ વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં મંગળવારે રાત્રે ભારે ધમધમાટી બોલાવી દીધી હતી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ ખાબકતાં નદી-નાળા અને નાના-મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં તો અડધી રાત્રે વરસાદી પાણી ફરી વળતાં લોકો ઊંઘમાં થી જાગી ગયા હતા.

સમગ્ર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જામેલા વરસાદી માહોલ વચ્ચે મંગળવારે રાત્રિ દરમિયાન મેઘાએ ભારે બેટિંગ કરતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેની અસર જનજીવન પર પડી હતી. વલસાડમાં મોડી સાંજથી શરૂ થયેલા વરસાદ સાથે રાત્રે 12 થી 2 વાગ્યા સુધીમાં 3 ઇંચ અને 2 થી 3 સુધીમાં વધુ 2 ઈંચ વરસાદ પડતાં માત્ર 3 કલાકમાં જ 5 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી થઈ ગયું હતું. 5 ઈંચ જેટલો વરસાદ વરસતા મોગરાવાડી વિસ્તાર, સ્ટેડિયમ રોડ, એમ.જી.રોડ, ગણપતિ મંદિર પાસે, છીપવાડ દાણાબજાર, હનુમાન મંદિર, વલસાડ પારડી, બરૂડીયાવાડ, કાશ્મીર નગર, ટેકરા ફળિયા, તિથલ રોડ, હાલર રોડ, નનકવાડા, કોસંબા, હનુમાન ભાગડા પીચિંગ, અબ્રામા એસટી વર્કશોપ પાસે, ધારાનગર, ધરમપુર ચોકડી, કસ્તુરબા હોસ્પિટલ પાસે રસ્તા ઉપર, ગ્રીનપાર્ક, ધનપુરા રોડ વગેરે વિસ્તારોમાં કમર જેટલા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રાત્રે વરસાદે લોકોની ઊંઘ હરામ કરી નાંખી હતી. રાત્રે ભારે વરસાદથી વલસાડના છીપવાડ અને મોગરાવાડીનું ગરનાળુ પાણી ભરાઈ ગયું હતું.

બંને ગરનાળામાં પાણી ભરાઈ જતાં બાઈક ચાલકો તથા રાહદારીઓ અને નોકરીયાત વર્ગના લોકો અટવાયા હતા. લોકોએ નોકરી પર જવા માટે વલસાડના ઓવરબ્રિજ તથા કુંડી ફાટક થઈને જવું પડ્યું હતું. છીપવાડના બાલા હનુમાન મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મંગળવારે મોડીરાતથી શરૂ થયેલો વરસાદ બુધવારે બપોર સુધી ચાલુ રહ્યો હતો. કપરાડા તાલુકામાંથી પસાર થતી પાર અને કોલક નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. તાલુકાના મહત્તમ નીચા કોઝવે પાણીમાં ડૂબી જતાં અનેક ગામોનો મુખ્ય માર્ગો સાથે સંપર્ક કપાયો હતો. જોકે કેટલાક સ્થળોએ પોલીસ ન હોઈ વાહન ચાલકો કોઝવે ઉપરથી ધસમસ્તા પાણી વચ્ચેથી વાહન લઈ જવાનું દુ:સાહસ કરી રહ્યા હતા. જો આજ વરસાદ હજુ ચાલુ રહેશે તો લીલા શાકભાજી, બાગાયતી શાકભાજી, ડાંગર, કઠોળ અને શેરડીના પાકને નુકશાન થશેની શકયતા ખેડૂતો દર્શાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *