સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી તાલુકામાં 3 ઈંચ વરસાદ સિવાય અન્ય જિલ્લા-તાલુકામાં વરસાદના ઝાપટા પડ્યા હતા. જેમાં નવસારી જિલ્લામાં સોમવારે બપોર સુધી વાતાવરણ ખુલ્લું હતું. જોકે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. અને વરસાદે ૨ કલાક ધુંઆધાર બેટિંગ કરી હતી. જેમાં બપોરે ૨ થી ૪ વાગ્યે સુધી ૨ કલાકમાં નવસારીમાં ૨.૫ ઇંચ અને ગણદેવી, બીલીમોરામાં ૧ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે ૪ વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા વાતાવરણમાં પરત ઉઘાડ પડતા વરસાદી પાણી ઓસરી ગયા હતા. વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચ જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા હતા.
