ચીખલીમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત

ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસીએશન અને કવોરી એસોસીએશનની બેઠક નિષ્ફળ જતા ટ્રક માલિકોની હડતાળ યથાવત રહેવા પામી છે. ડીવાયએસપી ફળદુની મધ્યસ્થી પણ બેઅસર રહેવા પામી હતી. દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઇ સહિતનાની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈંડા થંભાવી દઇ છેલ્લા બે દિવસથી હડતાળ પાડવામાં આવી છે. સુરત વિસ્તારમાંથી આવતી ટ્રકો પરત જતી વખતે રિટર્નમાં ચીખલી વિસ્તારની કવોરીઓમાંથી ખનીજ ભરી જતા અહીંના સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના ધંધા-રોજગાર પર અસર થતા આ રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરી જવાના વિરોધમાં હડતાળ પાડવામાં આવતા બુધવારના રોજ ચીખલી-વાંસદા રોડ સ્થિત હડતાળના સ્થળે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડી દેવામાં આવ્યો હતો અને હડતાળના સ્થળે પહોંચેલા ડીવાયએસપી ફળદુએ મધ્યસ્થી કરી કવોરી એસોસીએશનના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી અને ગુરુવારના રોજ કવોરી એસો. દ્વારા બેઠક કરી ત્યારબદ ટ્રક એસો.ના હોદ્દેદારોને બોલાવી બેઠક યોજવાનું નક્કી કરાયું હતું. જે મુજબ બેઠક યોજાઇ હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહેતા ડીવાયએસપી ફળદુની દરમ્યાનગીરી પણ કામે લાગી ન હતી અને તેમની મધ્યસ્થતા પણ બેઅસર રહેવા પામી હતી. સાથે ટ્રક એસો. દ્વારા હડતાળ યથાવત રહેવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *