ચીખલીમાં અઢી ઇંચ વરસાદ, ફડવેલમાં મકાન તૂટ્યું

ચીખલી પંથકમાં વધુ અઢી ઇંચ વરસાદ સાથે ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ યથાવત રહી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભર ચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ચીખલી તાલુકામાં રાત્રિ દરમ્યાન ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદથી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં 14 ફૂટ સપાટીએ પાણી વહી રહ્યા હતા. છેલ્લા તબક્કામાં ચોમાસુ જામ્યું છે. તાલુકામાં વધુ 2.52 ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ 53.84 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ફડવેલ ગામના ખોલી ફળિયામાં વહેલી સવારે મનુભાઇ પટેલનુ મકાન જમીનદોસ્ત થતા શ્રમજીવી પરિવારે છત ગુમાવતા મુશ્કેલીમાં મુકાયો હતો. પરિવારને મકાન તૂટવાનો અણસાર આવી જતા સભ્યો ઘરની બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. પરંતુ અનાજ સહિતની ચીજવસ્તુ પલળી જતા પરિવારને મોટુ આર્થિક નુકશાન થયું હતું. બનાવની જાણ થતા સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશ પટેલ, નાયબ ટીડીઓ બી.જી. સોલંકી, એપીએમસીના ડિરેક્ટર ચીમનભાઇ સહિતના ધસી જઇ નુકશાની અંગેનો સર્વે કરાવી પંચકયાસ સહિતની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *