અફઘાનિસ્તાનમાં નોકરી કરતાં બીલીમોરાના રહેવાસીની વતન વાપસી

અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠન તાલિબાનોના બળજબરી પૂર્વક કરાયેલા શાસન બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ ગણદેવી તાલુકાનાં નાંદરખા ગામના આધેડ હેમખેમ વતન પરત ફરતા પરીવારે રાહત અનુભવી હતી. બીલીમોરા નજીકનાં નાંદરખા ગામનાં ઉટડી ફળીયામાં રહેતા મનુભાઈ છગનભાઇ પટેલ (ઉ.51) વર્ષ 2013થી અફઘાનિસ્તાનમાં અમેરિકન દુતાવાસનાં જનરલ મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે. દરમિયાન બે સપ્તાહ અગાઉ ઉગ્રવાદી સંગઠન તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર સત્તા હાંસિલ કરી દીધી હતી. દરમિયાન અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ પણ દેશ છોડી ગયા હતા. જેને કારણે ભય, ડર સાથે અજંપાભરી સ્થિત સર્જાતા અનેક લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા હતા. દરમિયાન અફઘાનિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીમાં ફરજ બજાવનારાઓને અમેરિકન મિલિટરીએ 14 ઓગસ્ટની રાત્રે પાડોશી દોહામાં યુકે કાર્ગો વિમાનમાં એર લિફ્ટ કર્યા હતા. જે બાદ દોહાથી વિસ્તારા એર લાઇન્સમાં તેઓ તા.22’મી ઓગસ્ટનાં રોજ વહેલી સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં કોરોનાનો ટેસ્ટ કરાયો હતો. જેના રિપોર્ટ બાદ સોમવારે પોતાના વતન નાંદરખા ગામે આવી પહોંચ્યા હતા. મનુભાઈ પટેલ હેમખમ ઘરે આવતાં પત્ની કલાવતીબેન પટેલ, પુત્રી પ્રિયાંસી, યશવી અને પુત્ર શિવ તેમજ પરિજનોને રાહત થઈ છે. મનુભાઈએ જણાવ્યું હતું કે અમે તો અમેરિકન મિલિટરીનાં બંદોબસ્ત હેઠળ સલામત હતા. તે સમયે વતન પરત ફરનારાઓમાં હું એકમાત્ર ગુજરાતી હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *