વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’નું વાર્ષિક સત્ર 7 એપ્રિલના રોજ નવા વર્ચુઅલ ફોર્મેટમાં યોજાશે. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ નવા ફોર્મેટમાં અલગ અલગ વિષયો પરના ઘણા રસપ્રદ પ્રશ્નો અને અમારા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, માતાપિતા અને શિક્ષકો સાથે 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે યાદગાર ચર્ચા કરવામાં આવશે. તેમણે પોતાના ટ્વિટની સાથે આ ઇવેન્ટનો એક વીડિયો પણ ટેગ કર્યો હતો. જેમાં આ વર્ષના ‘પરીક્ષા પે ચર્ચા’ની હાઇલાઇટ્સ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી હતી. આ વીડિયોમાં મોદીએ કહ્યું કે, આપણે છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણ હેઠળ જીવી રહ્યા છીએ. જેના કારણે રૂબરૂ મળવું શક્ય નથી માટે ‘પરીક્ષા પે ચર્ચા’ પ્રથમ વખત વર્ચ્યુઅલ યોજાશે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાઓને જીવનના સપનાના અંત તરીકે નહીં પરંતુ એક તક તરીકે જોવાની વિનંતી કરી છે. મોદી વીડિયોમાં કહે છે કે, વડાપ્રધાન બાળકો સાથે મિત્ર તરીકે વાત કરશે અને વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન શિક્ષકો અને માતા-પિતા સાથે પણ વાતચીત કરશે. વીડિયોમાં વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આ ‘પરીક્ષા પે ચર્ચા’ છે. પરંતુ તે માત્ર ‘પરીક્ષા’ અથવા પરીક્ષાની ચર્ચા સુધી મર્યાદિત નથી.
