પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત્સરી

વેસુ જૈન સંઘ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં સંવત્સરી મહાપર્વ નિમિત્તે બારસાસૂત્રનું વાંચન થયું હતું. આ પાવન પ્રસંગે વર્ષમાં એકવાર પણ ઉપાશ્રયનું પગથિયું નહીં ચડનાર આવા દિવસે ખાસ આવતા હોય છે. વર્ષ દરમિયાન થયેલા વૈમનસ્યનું વિસર્જન કરવાની આ અપૂર્વ ક્ષણ છે. પાપોનું પ્રક્ષાલન કરવા માટેનો આ અનેરો અવસર છે. ભૂલોને ભૂલી જવાનું આ પર્વ છે. કોઇના પ્રત્યે પણ ગાંઠ બાંધવાની નથી. કેન્સરની ગાંઠ કરતાં પણ કષાયોની ગાંઠ ભયંકર છે. કેન્સરની ગાંઠ તો મરતાની સાથે જ ખતમ થઇ જાય છે. પણ કષાયની ગાંઠ તો એનું વિસર્જન ન થાય તો ભવોભવ બરબાદ થાય છે. વૈરનાં વળામણાં કરવા માટે આ સંવત્સરિ પર્વ છે. સંવત્સરીનો દિવસ વકીલાતનો નહીં પણ કબૂલાતનો છે. ભૂલો તો આ દુનિયામાં કોણ નથી કરતું તે મોટો સવાલ છે. વિશ્વમાં આવું પર્વ ક્યાંય નથી કે, સામે વાળાની ભૂલને ભૂલી જવી એ સામાન્ય ઘટના નથી. જૈનો સંવત્સરી પ્રતિક્રમણ વખતે ભેગા થઇ સર્વ જીવરાશિને ખમાવતાં અરસ-પરસ ‘મિચ્છામી દુક્કડમ’ આપતા હોય છે. વેરનુ વિસર્જન કરવા માટે આ સુવર્ણ અવસર છે.

જીવનના ચોપડા ચોખ્ખા કરવાનું આ અનુપમ પર્વ છે. આપણા હૈયાને ક્ષમાથી તરબતર બનાવવું, આપણે નતમસ્તકે વંદન કરવાના છે. એક દુકાન જમાવવી સહેલી છે, પણ હૈયામાંથી દૂર થયેલા સ્નેહી, સ્વજનો અનેસંબંધીઓને પુન: સ્થાન આપવું એ વિશ્વની વિરલ ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *