વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુક્રવારે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે. વિઘ્નહર્તાની મૂર્તિઓની કોરોના ગાઇડલાઇન સાથે જાહેર સ્થળોએ તેમજ ઘરેઘરે સ્થાપના કરાઇ છે. ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વાજતેગાજતે અને ભક્તિભાવપૂર્વક તાપી જિલ્લામાં 103થી વધુ નાની ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ વિઘ્નહર્તાની ઉજવણીને જ ગ્રહણ નડ્યું હતું. જેથી આ વર્ષે છૂટછાટને લઈ સમગ્ર તાપી જિલ્લામાં ગણેશજીના પંડાળ-મંડપ જોવા મળી રહ્યા છે. આ વર્ષે સંક્રમણ હળવું થતાં અને થોડીઘણી છૂટછાટો મળતાં ગણેશ મહોત્સવના આયોજનથી ભાવિકોનાં હૈયાં હરખાઇ ઊઠ્યાં છે. દરરોજ સવાર-સાંજ આરતી, ધૂન, ભજન, સંગીત સહિતના ભક્તિના કાર્યક્રમો યોજાશે. છેલ્લે દિવસે વાજતેગાજતે વિસર્જન યાત્રા યોજી અશ્રુભીંની આંખે ભક્તો દ્વારા સમાપન કરાશે.
