દેશ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. પહેલી લહરમાં લોકડાઉનમાં લોકોએ ભારે સામનો કરવો પડ્યો હતો. નવેમ્બર 2020માં તેની અસર થોડી ઓછી થઇ હતી પરંતુ જાન્યુઆરીના અંત સુધીમાં તો ફરીથી કોરોનાની બીજી લહેરે માથું ઊંચકવા માંડયું હતું. કોરોનાની બીજી લહેર તો એટલી બધી ખતરનાક હતી કે લોકો મોત તરફ જવા માટે જાણે મજબૂર બની ગયા હતા. કોરોનાની આ બીજી લહેરમાં સૌથી મોટી અછત ઇન્જેક્શનની ઊભી થઇ હતી. કોરોનાની સારવારમાં કારગર નીવડતા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. લોકો આ ઇન્જેકશન કાળા બજારમાં ખરીદવા માટે મજબૂર બન્યા હતા એટલું જ નહીં પણ ઇન્જેકશનની બનાવટ પણ શરૂ થઇ ગઇ હતી. આ પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને બીજી જરૂરિયાત ઓક્સિજન માટેની ઉભી થઇ હતી અને ઓક્સિજનના અભાવે અનેક લોકોના જીવ ગયા હતા. તો કેટલાંક રાજ્યો આ મામલે કેન્દ્ર સરકારની સામે પણ આવી ગયા હતા.
હવે બીજી લહેર પૂર્ણ થઇ છે. ત્યારે ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં સૌથી ગંભીર બાબત એ છે કે બાળકો તેમા સપડાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું તો જરૂરી જ છે સાથે સાથે વેક્સિનેશન પણ એટલું જ મહત્વનું છે. દેશમાં બાળકો માટે વેક્સિન બની રહી છે અને તેનું પરિક્ષણ પણ ચાલી રહ્યું છે. દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ વેક્સિનના ઉપયોગ માટેની મંજૂરી માંગી છે. દેશની આ પાંચમી વેક્સિનની મંજૂરી 12 થી લઇને 18 વર્ષના બાળકો માટે માંગવામાં આવી છે. બાળકો માટે તૈયાર કરવામાં આવેલી આ પહેલી સ્વદેશી વેક્સિન છે. આ કંપની દ્વારા કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માગવામાં આવી છે. જાણકારો જણાવી રહ્યાં છે કે, આ વેક્સિનની ત્રણ ટ્રાયલ પૂર્ણ થઇ ચૂકી છે.
ઝાયડસ કેડિલાનો પ્લાન વાર્ષિક 12 કરોડ ડોઝ બનાવવાનો છે. જો તેને મંજૂરી મળી જાય તો તે દેશની પાંચમી સ્વદેશી વેક્સિન બનશે. હજી ગયા અઠવાડિયે જ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મોર્ડનાની વેક્સિનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. હાલમાં દેશમાં ભારત બાયોટેકની કોવાક્સિન, શીરમ ઇન્સ્ટિટ્યુટની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક 5ને મંજૂરી આપવામાં આવી છે આમ અત્યાર સુધી ચાર વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. ઝાયડસ કેડિલાએ દાવો કર્યો છે કે તેમણે કુલ 28000 લોકો પર રસીનું પરિક્ષણ કર્યું છે જેમાં 1000 એવા બાળકો અને તરૂણો સામેલ છે જેમની ઉંમર 12 થી 18 વર્ષ વચ્ચેની છે. એટલું જ નહીં કંપનીનું એવું પણ કહેવું છે કે, આ વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ પર પણ અસરકારક છે.