જે વ્યક્તિ નિર્માણની જવાબદારી લે તે જ સાચો શિક્ષક : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના અગિયારમાં સ્થાપના દિને સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા સમારંભમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું ભારતીય શિક્ષણ પ્રશિક્ષક સંસ્થા શિક્ષકોના નિર્માણનું પવિત્ર ઋષિ કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ માનવ નિર્માણની જવાબદારી પોતાના શિર ઉપર લે છે તે જ આચાર્ય અર્થાત શિક્ષક છે. શિક્ષકો માનવ નિર્માણના આરાધક છે. દરેક વ્યક્તિના જીવનમાં ત્રણ ગુરૂ મહત્વના છે. માતા-પિતા અને આચાર્ય. આ ત્રણેય ગુરૂ વ્યક્તિને મહાન બનાવે છે. આ સંસ્થા શિક્ષકોના ઘડતરનું કાર્ય કરે છે. એટલે જ આ સંસ્થાનું મહત્વ આપો આપ વધી જાય છે.

શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, મનુષ્ય નિર્માણનું કાર્ય અત્યંત મુશ્કેલ છે છતા અતિ આવશ્યક છે. આ કાર્ય શિક્ષકોનું છે. તેમણે જણાવ્યુ હતું કે, પ્રાચીન ભારતની ગુરુકુળ શિક્ષા પદ્ધતિથી બાળકનો સમગ્ર વિકાસ થતો હતો. આજની શિક્ષણ પદ્ધતિમાં આવુ શક્ય બનતું નથી. ગુરૂકુળ શિક્ષણ પદ્ધતિમાં શિષ્ય સ્વયં ગુરૂના કુળમાં જતા હતા જ્યાં શ્રેષ્ઠ પરિવાર ભાવના સ્થાપિત થયેલી હતી. શિષ્યનું ”શ્રેષ્ઠ કુળ” ગુરૂકુળ હતું. માતા-પિતા જ્યારે તેમનું સર્વસ્વ એવું સંતાન જ્યારે શિક્ષકના હાથમાં સોંપે છે ત્યારે દુનિયાની સૌથી મોટી જવાબદારી, આ બાળકના ઘડતર કરવાની જવાબદારી શિક્ષકની બની જાય છે. શિક્ષકો ક્યારેય માતા-પિતાનો વિશ્વાસ ન તોડે, તેવું ભારપૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુરૂકુળો સમરસતા અને સમાજવાદનાં શ્રેષ્ઠ ઉદાહરણ હતા જ્યાં કોઇ નાતજાતના ભેદભાવ ન હતા બધા સમાન હતા. મનુષ્ય નિર્માણના તીર્થ સ્થાનો હતા.

રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, જે વ્યક્તિ નિર્માણની જવાબદારી લે છે તે આચાર્ય છે-શિક્ષક છે. ભારતીય શિક્ષક નીતિના કેન્દ્રમાં ચરિત્ર નિર્માણ રહેલું છે. ચાણક્ય જેવા શિક્ષકો ચંદ્રગુપ્ત જેવા સમ્રાટનું ઘડતર કરી શકે છે. આજે શિક્ષણમાંથી મૂલ્યો દૂર થતા રહ્યા છે. જેના કારણે શિક્ષિત લોકો પણ અનિતીનું કાર્ય કરતા ખચકાટ અનુભવતા નથી. આઈ.આઈ.ટી.ઈ ના કુલપતિ ડૉ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આઈ.આઈ.ટી.ઈ માં ‘થીંક ગ્લોબલ, એક્ટ ગ્લોબલ’ના વિચાર સાથે શિક્ષક પ્રશિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજપાલના હસ્તે શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર અઘ્યાપકોને ચાણક્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *