એક વર્ષથી અલગ રહેતી પત્નીને પતિએ બહાર ફરવા જવાનું કહ્યું હતું, પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાયો હતો અને ‘તારે મારી સાથે નથી રહેવું તો તને જીવતી નહીં રહેવા દઇશ’ કહીને તેણીને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઇ-ફૂવાના ઘરે રહેતી 21 વર્ષિય પાયલબેનના પ્રેમલગ્ન 2016માં સૌરાષ્ટ્રના રાજુલા ગામે મંદિરમાં રવિભાઇ વરિયાની સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેથી પાયલ સુરતમાં ફોઇ-ફૂવાના ઘરે આવી હતી. છેલ્લા એક વર્ષથી બંને અલગ રહેતા હતા. પાયલબેનએ પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. બીજી તરફ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રવિએ પાયલનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. રવિ સુરત આવ્યો અને પાયલને મળ્યો હતો, પાયલને બહાર ફરવા જવાનું કહીને વાત કરવા જણાવ્યું હતું. પરંતુ પાયલે બહાર આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી રવિ ઉશ્કેરાયો હતો. રવિએ પાયલને કહ્યું કે, ‘ચાલ તું મારી સાથે, હું તને લેવા માટે આવ્યો છું, અને જો તું મારી સાથે નહીં આવી કે મારી સાથે નહીં રહીશ તો તને જીવતી મારી નાંખીશ’ કહીને પાયલને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. આરોપી રવિ વરિયા સામે અમરોલી પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધાઇ હતી.
