સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થોઓનાં કોરોનાનાં પોઝિટિવ આવતા તંત્રએ એલર્ટ થઇ કલેકટર ભાવિન પંડ્યા શાળાની મુલાકાતે પહોચી ટેસ્ટિંગ અને વેક્સિન માટે સૂચના આપી હતી. સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થીઓના કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા બંને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તંત્રની આ કામગીરીની સાથે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાત મુલાકાત લીધી હતી. ભાવિન પંડ્યાએ મહારાષ્ટ્રની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે. સાથે હોટલ, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો, ગેસ્ટ હાઉસ, જુદી જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું ફરજીયાત વેક્સિનેસન થાય તે માટે પણ તેમણે સૂચના આપી છે. કલેક્ટર ભાવિન પંડ્યા સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાનું સંક્રમણ હળવુ થતા ડાંગ જિલ્લામાં શાળાઓ ફરી શરૂ તો થઈ ગઇ છે. સાથે ડાંગ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. પરંતુ ગતરોજ લાંબા અરસા બાદ પ્રવાસન સ્થળ સાપુતારાની શાળામાં બે બાળકોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થિતિ ચિંતાજનક બની છે.
