તાજેતરમાં ચાર-પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે તરસાડી કોસંબાને જોડતા ઓવરબ્રિજ ઉપર તેમજ ઓવરબ્રિજની બંને તરફ સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડી જતાં પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.તરસાડીથી કોસંબાના પ્રજાનો તેમજ વાહનચાલકો માટે ઉપયોગી એવા ઓવરબ્રિજની ચારેકોર તેમજ ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે વરસાદ પડે ત્યારે આ ખાડામાં પાણી ભરાતાં ખાડા તળાવમાં રૂપાંતર થઈ જવા પામે છે. અને પાણી ભરાઇ જતાં વાહનચાલકોને ખાડાનો ખ્યાલ પણ આવતો નથી. જેના પગલે વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે. શુક્રવારે બપોરે તરસાડી નજીક સર્વિસ રોડ પર થ્રી વ્હીલર ટેમ્પો ખાડામાં પટકાયા બાદ પલટી ગયો હતો. સદ્નસીબે કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ઓવરબ્રિજ ઉપર તેમજ તરસાડી ઓવરબ્રિજની બંને બાજુના સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાની તાત્કાલિક યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની પણ દહેશત છે.
