વાંસદાની જર્જરીત શાળા રિપેરિંગ કરાવવા માંગ

રજવાડા સમયથી ચાલતી વર્ષો જૂની વાંસદાની કુમારશાળાની નળીયવાળી છતમાંથી પાણી ટપકતા શાળામાં અનેક અગવડો ઊભી થતા શાળાના મુખ્ય શિક્ષકે વાંસદા તાલુકા પંચાયતમાં શાળાના જુના મકાનના ઓરડાનું રિપેરિંગ હાથ ધરવા લેખિત રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાના ગાંધીમેદાન પાસે આવેલી રજવાડા સમયથી ચાલતી કુમાર શાળાની છત હજુ પણ નળીયાવાળી હોવાથી ચોમાસામાં પાણી ટપકતા ઓરડામાં ભેજના કારણે પંખા, વાયરીંગને નુકશાન તેમજ કરંટ લાગવાની ભીતિ સર્જાય રહી છે. વર્ષો જુની આ કુમાર શાળાના વર્ગખંડોની સ્થિતિમાં કોઇ જ સુધારો થતો નથી. જેમાં ઓફિસ રૂમની સાથે બે હોલવાળું રજવાડા સમયનું મકાન અને હોલની બંને બાજુ ત્રણ રૂમો મળી છ વર્ગખંડોની નળિયાવાળી છત ખુબ જ જૂની હોવાથી વારંવાર તૂટી જતા તેમાંથી પાણી ટપકે છે. આ તુટેલા તેમજ જુના નળિયા સાથે નવા નળિયા ફીટ કરતા પણ ગ્રીપમાં બેસતા નથી, જેથી પાણી ટપકવાની સમસ્યાનો હલ થતો નથી. તેમજ ઓરડામાં અનેક ઠેકાણે પાણી ટપકતું હોવાથી શૈક્ષણિક કાર્યમાં પણ વિઘ્નો આવતા હોય છે. આ નળીયાવાડી છત ઉપર ગેલ્વેનાઈઝ કોટેડ પતરા નાખવામાં આવે તો પાણી ટપકવાની સમસ્યા હલ થાય તેમજ મકાન પણ સુરક્ષિત રહે અને ઉપયોગમાં લઈ શકાય તેમ છે. આ બાબતે કુમાર શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા પંચાયત ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *