માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના 11ના મોત

મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના તારાપૂર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા હોવાનો કરૂણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ પરિવાર ઇકો કારમાં સવાર હતો અને તારાપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભાવનગરના વરતેજ ગામનો છે અને પરિવારના સભ્યો ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યાં હતાં ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આણંદના કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તારાપુરથી વટામણની વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઇકો કાર ટ્રકમાં ઘસી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેંટનાર લોકોને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી કાર વડોદરા નજીક પલટી ગઇ હતી અને તેમાં આમ આદમી પાર્ટીના અગ્રણી સહિત ત્રણના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *