ધરમપુરમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ન્યાય યાત્રા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધરમપુર તાલુકાના કાંગવી ખાતે ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ભાજપને આડે હાથ લીધા હતા. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કોરોનાંની બીજી લહેરની શકયતા હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતાના પાપે 2 લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. લોકો ઓક્સિજન વગર, રેમડેસિવિર ઇન્જેક્શન, દવાઓ વગર મરી રહ્યા હતા. એક એક ઇન્જેક્શનના 15 થી 20 હજાર રૂપિયા ખર્ચી રહ્યા હતા. લોકો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા હતા. ત્યારે ભાજપ દીવડા પ્રગટાવો, તાળીઓ વગાડો કહી રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે, સરકારે માસ્કના નામે લૂંટવાનું શરૂ કર્યું, માસ્કના નામે 200 કરોડનો દંડ ઉઘરાવ્યો અને છતાં આજે ભાજપ જન સમર્થન યાત્રા કાઢી રહ્યું છે. હું કહું છું એ જન સમર્થન યાત્રા નહિ, પરંતુ શરમયાત્રા છે. પ્રજાના પૈસે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. લોકો પીડિત છે, દુઃખી છે તેને છુપાવવાનો આ પ્રયાસ છે. એટલે જ કોંગ્રેસ દ્વારા લોકોને ન્યાય અપાવવા, હક અપાવવા, કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરાઈ છે. સી.આર. પાટીલ દ્વારા અપાયેલા 5000 ઇન્જેક્શનની ન્યાયિક તપાસ થાય એવી માંગ કરવા સહિતના મુદ્દે હવે લડત શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માજી સાંસદ કિશન પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસ સમિતિ ધરમપુર આયોજિત કોવિડ.19 ન્યાય યાત્રા અંતર્ગત કાંગવી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, ધરમપુર તા.કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ, માજી સાંસદ કિશન પટેલ, ધરમપુર તા.પ.ના માજી પ્રમુખ અને વર્તમાન જી.પ.સભ્ય રમેશ પાડવી માસ્ક વગર જોવા મળતા કાર્યક્રમના એનાઉન્સર દ્વારા વારંવાર માસ્ક અને કોવિડ ગાઈડ લાઇનના અમલ માટે જાહેરાત કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *