ગણદેવી રેલવે અંડર પાસમાં બસ ફસાઇ

બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં 75 મીમી (3 ઇંચ) વરસાદ પડ્યો હતો. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો હતો. બીલીમોરામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ સાથે મોસમનો 52.68 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રવિવાર રાત્રે 10 થી 12 વચ્ચેના બે કલાકમાં આભ ફાટતા અઢી ઇંચ જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગણેશ મંડળોની ચિંતા વધી ગઈ હતી. જોકે બે કલાક બાદ વરસાદે ખમ્મા કરતાં સ્થિતિમાં સુધારો જોવાયો હતો. સોમવાર સવારે સુરતથી બીલીમોરા આવતી એસ ટી બસ નં. જીજે 18 ઝેડ 8032 ગણદેવી નજીક સરા લાઈન નેરોગેજ અંડર પાસનાં પાણીમાં ફસાતા મુસાફરોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. બીલીમોરા ડેપો કર્મચારીઓએ ફસાયેલી બસને ટોઈંગ કરી બહાર કાઢી હતી. લોકમાતા અંબિકા 4.500 મીટરની સપાટીએ વહી રહી છે. ઉપરવાસમાં કેલીયા અને જૂજ ડેમ ભરાતા કાવેરી નદીનાં નીચાણવાળા ગામોને સતર્ક કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *