બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ સુધી જાય છે તે કાસમાં બેશુમાર કચરો હોવાથી પાણીનો ઝડપથી નિકાલ નહીં થવાને કારણે રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં બે દિવસથી વરસાદ નહીં હોવા છતાં પાણી ઓસરતાં નથી. બીલીમોરા નગરપાલિકા તેના વિસ્તારમાંથી પસાર થતી આ મેલા પાણીના નિકાલની ખુલ્લી કાસમાં જામેલો બેસુમાર કચરો સાફ કરાવીને પાણીનો માર્ગ મોકળો બનાવે કે જેથી રેલવે અન્ડર ગ્રાઉન્ડ કે અન્ય ભાગોમાં પાણીનો જમાવડો લાંબા સમય સુધી રહે નહીં. લાંબા સમય સુધી ગોધાઇ રહેતા આ મેંલાં પાણીને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
