આમ આદમી પાર્ટીને તમામ કાર્યક્રમોમાં હવે હોબાળો કરવાની આદત પડી ગઈ છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. મેયરના ઉદબોધન પહેલાં સમિતિના સભ્ય અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિક્ષેપ પાડ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે તુંતુંમૈમૈ થઈ ગઈ હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને સન્માન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સન્માન સમારંભ સાથે મેયર હેમાલી બોઘવાલા શિક્ષકોના સન્માન માટે ઉદબોધન કરે એ પહેલાં જ સ્ટેજ પરથી વિપક્ષના ચુંટાયેલા સભ્યએ હોબાળો મચાવ્યો હતો. તેની સાથે સ્ટેજ નીચેના કેટલાક કાર્યકરોએ પણ શિક્ષકોની ભરતી કરો એવો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષના આવા હોબાળાના કારણે મેયરનું ઉદબોધન થઇ શક્યું ન હતું. આ અંગે કાર્યક્રમમાં હાજર ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિપક્ષના સભ્યએ તેમની સાથે ઉધ્ધત વર્તન કર્યું હતું.
