ચીખલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસતા ડાંગર પકવતાં ખેડૂતોને રાહત

ચીખલી(CHIKHLI) પંથકમાં લાંબા સમય બાદ નોંધપાત્ર ૩.૬૪ ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાની જમાવટ થઇ હતી સાથે ખેતીપાકોને પણ મોટી રાહત થઇ છે. ચીખલી સાથે ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પણ પાણીના સ્તર વધ્યા હતા. તાલુકામાં લાંબા સમયથી વરસાદ મન મૂકીને ન વરસતા ધરતીપુત્રો(FARMER)ની ચિંતા વધવા પામી હતી. છૂટા – છવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ ન વરસતા ડાંગર સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી હતી. આ દરમ્યાન બુધવારના રોજ બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે મેઘરાજાનું પુનરાગમન થયું હતું. અને સમગ્ર રાત્રિ દરમ્યાન વરસાદ ચાલુ જ રહ્યો હતો અને વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતું. આ દરમ્યાન રાત્રે આઠ વાગ્યા અને બપોરે બે વાગ્યે એક – એક ઇંચ વરસાદ સાથે ધીમી ધારે સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ જ રહેતા ચોમાસાએ જમાવટ કરી હોય તેવી અનુભૂતિ થઇ હતી અને સાંજે ચાર વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં ૯૧ મીમી જેટલો વરસાદ(RAIN) નોંધાયો હતો. ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદથી તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી ગઇ હતી. ઉપરાંત સ્થાનિક કોતરો અને તળાવો(POND)માં પણ પાણીની આવક વધી હતી. સારા વરસાદ તાલુકાભરમાં ડાંગરના પાકને મોટી રાહત થવા સાથે જીવતદાન મળવા પામ્યુ છે. આ ઉપરાંત અન્ય ખેતીપાકોને વરસાદથી ફાયદો થવા પામ્યો છે. તાલુકામાં ૩૭.૬૦ ઇંચ જેટલો કુલ વરસાદ સીઝનનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *