ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસુધારા ડેરી દ્વારા ચીખલી અને કપરાડામાં બે, જ્યારે ચીખલીમાં બીજો પ્લાન્ટ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ અંતર્ગત સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચીખલીમાં વસુધારા ડેરી દ્વારા દાન પેટે આપવામાં આવેલા 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 334 લીટર/મિનિટની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલના હસ્તે પ્રાંત અધિકારી ડી.ડી. જોગીયા, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતા પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના ગાંવિત, મામલતદાર પ્રિયંકા પટેલ, ભાજપ પ્રમુખ મયંક પટેલ, અધિક્ષક ડો. દક્ષાબેન ઉપરાંત ડો. જયોતિબેન, ડો. રાજેશભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વસુધારા ડેરી દ્વારા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ 47 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વાઇસ ચેરમેન સુધાબેન પટેલ દ્વારા કરાયું હતું. આમ વસુધારા ડેરી દ્વારા ચીખલી અને કપરાડાની હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટ એનાયત કરાયા હતા. આ ઉપરાંત ચીખલીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 64 લાખ રૂપિયાના ખર્ચે 500 લીટર/મિનિટની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વિવેક પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક્ષક ડો. દક્ષાબેન, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.બી. સોનવણેએ વસુધારા ડેરીના ચેરમેન ઉપરાંત એમ.ડી. નરેન્દ્રભાઇ વશી તથા એઆઇએફ સંસ્થા પ્રત્યે ઉદારતાવાદી અભિગમને બિરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમ્યાન વસુધારા ડેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
