આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ

મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં કુલ 3 હજાર જ્વેલર્સ સામે સુરતને બાદ કરતા 8 જેટલા જ હોલ માર્કિંગ સેન્ટર છે ગ્રામિણ વિસ્તારોમાં તો આવા સેન્ટર બિલકુલ નથી તે જોતાં ગ્રાહકો આવતીકાલથી જ્વેલરીની પ્યોરીટી માટે ફરજિયાત હોલ માર્કિંગ સાથે સર્ટીફિકેટની માંગણી ગ્રાહકો શરૂ કરશે. બીજી તરફ નાની જ્વેલરી પર હોલ માર્કિંગ મુશ્કેલ છે અને જ્વેલર્સ પાસે કરોડોનો માલ પડયો છે. ઘણા જ્વેલર્સ દ્વારા હોલ માર્કિંગ માટે હજી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી અને યુનિક આઇડી નંબર પણ લેવામાં આવ્યો નથી. તેને લીધે મુશ્કેલીઓ વધશે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના સ્ટેટ ડિરેક્ટર નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે કાઉન્સિલના ડેટા પ્રમાણે 25 હજાર ટન જ્વેલરી હોલ માર્કિંગ વિનાની છે. આ જ્વેલરી પહેલાથી મજૂરી કામ ચૂકવી સ્ટોક કરવામાં આવી છે. તેમાં ખૂબ ઓછી જ્વેલરી 14 અને 18 કેરેટની છે આવી સ્થિતિમાં જ્વેલર્સનો ખર્ચ વધી શકે છે. સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે હોલ માર્કિંગને લઇને હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે અને તેની સુનાવણી હાલ ચાલી રહી છે. હોલ માર્કિંગનો નિર્ણય જ્વેલર્સ અને ગ્રાહક બંને માટે સારો છે પરંતુ સુરત સહિત રાજ્યમાં અને દેશમાં હોલ માર્કિંગને લગતુ ઇન્ફાસ્ટ્રકચર હજી ઊભુ થયું નથી. સરકાર આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના રાજ્યોમાં 20 કેરેટ જયારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 22 અને 24 કેરેટની નક્કર લગડી જેવી જ્વેલરીની ડિમાન્ડ રહે છે સરકારે તમામ કેટેગરીનો હોલ માર્કિંગમાં સમાવેશ કર્યો નથી તેને લઇને પણ મુંઝવણ ઉભી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *