ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇ.ચા. કુલપતિ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર, ની ઉપસ્થિતમાં આ એમ.ઓ.યુ. થયા હતા. નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) એ દેશનું સર્વપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સંસ્થાન છે. ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. જેનો સીધો લાભ રાજ્યની-દેશની જનતાને મળશે.
આ એમ.ઓ.યુ થવાથી જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, આઇ.આઇ.એ.પી.એસ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના એક છત્ર હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત થશે અને આ સંસ્થા દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટિટ્યુટ બનશે. ગુજરાતની ધરતી પર આયુર્વેદ ચિકિત્સા, અનુસંધાન અને શિક્ષણ જેવી બાબતોમાં વિશ્વસ્તરે નવા પરિમાણો આકાર પામશે. હવે આયુર્વેદ માટે વિકાસના નવા આયામો ખૂલશે અને લોકોને તેનો લાભ મળશે. શિક્ષણ, અનુસંધાનની સાથે ચિકિત્સા બાબતોમાં ઉપ્લબ્ધિના નવા દ્વારો પણ ખૂલશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી બનાવવી સરળ થશે. પટેલે જણાવ્યું હતું કે ITRA ગુજરાત રાજ્યમાં કાર્યરત થવાથી તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓને આકાર આપી શકાશે. એટલુ જ નહીં આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં સરળતા થશે. આયુર્વેદ ક્ષેત્રે નવીન શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિને તૈયાર કરવામાં સરળતા થશે. અભ્યાસ અને અનુસંધાન પ્રક્રિયાને વધુ ઊંડાણપૂર્વકના બનાવી શકાશે.