ચીખલીના વાંઝણાની દીકરીનો અમેરિકામાં ડંકો

અમેરિકા હોય કે યુરોપ કે પછી આફ્રિકન કન્ટ્રી મૂળ ભારતીયો જ્યાં જ્યાં પણ ગયા છે ત્યાં તમામ ઠેકાણે તેમણે ભારતનો ડંગો વગાડ્યો છે. અમેરિકામાં તો અનેક મહત્વના પદો પર મૂળ ભારતીયો સ્થાન શોભાવી રહ્યાં છે જ્યારે કેનેડામાં તો ભારતીય મૂળના લોકો મેયર તેમજ સાંસદ જેવા પદ પર પણ પહોંચી ચૂક્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ મૂળ ભારતીય છે અને તેઓ કેરેલિયન મૂળના છે. આકાશમાં ડંગો વગાડનાર અમેરિકન સ્પેશ એજન્સીમાં મહત્વની ભૂમિકા ભજવનાર કલ્પના ચાવલા પણ મૂળ ભારતીય જ છે. અમેરિકાના મિસિસિપી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતા વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઇ જવા પામી હતી. શિકાગોમાં નેવલ બેઝ ટ્રેનિંગ કેમ્પમાં 10 અઠવાડિયાની કઠોર તાલીમમાંથી પસાર થયા બાદ નેવીમાં સેઇલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના નિરવભાઇ દુર્લભભાઇ પટેલ ઘણા વર્ષથી નોકરી-ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. તેમની દીકરી નૈત્રી પટેલે અમદાવાદમા એસએસસી સુધી અભ્યાસ કર્યા બાદ તેમનો પરિવાર છ એક વર્ષ પૂર્વે અમેરિકા જઇને ત્યાંના મિસિસિપી સ્ટેટમાં મોટેલના વ્યવસાય સાથે જોડાયા હતા. પોતાના માતા-પિતા નાનાભાઇ સાથે રહેતી નૈત્રી પટેલે મિસિસિપી યુનિર્વસિટિમાં કોલેજ કક્ષાનો અભ્યાસ કરી રહી હતી. આ દરમ્યાન નૈત્રી પટેલે કોલેજના અભ્યાસ સાથે શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં નેવી બુટ કેમ્પસમાં જોડાઇ દસ-અઠવાડિયા સુધી અનેકવિધ સાહસો સાથેની કઠોર તાલીમ મેળવી હતી અને આ તાલીમ સફળતાપૂર્વક પાર પાળ્યા બાદ નૈત્રી પટેલની અમેરિકન નેવીમાં સેઇલર તરીકે નિયુકિત થવા પામી છે. ચીખલી જેવા નાનકડા તાલુકામાંથી અમેરિકા પહોંચીને આ યુવતીએ માત્ર ચીખલીનું જ નહીં પરંતુ નવસારી જિલ્લો, ગુજરાત રાજ્ય અને દેશનું ગૌરવ પણ વધાર્યું છે સાથે જ પાટીદાર સમાજનું નામ પણ નૈત્રીના કારણે રોશન થયું છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ ચીખલીના નાનકડા વાંઝણા ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. હવે તે અમેરિકન નેવીમાં પણ હજી ઊંચા ઊંચા પદ પર પહોંચે તેવી શુભેચ્છા મુળ વતનના લોકો પાઠવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *