વ્યારા માર્કેટ યાર્ડમાં અઠવાડિયા કરતા વધુ સમયથી ભીંડાનાં યોગ્ય ભાવો નહીં મળતાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓનું શોષણ યથાવત રહેતાં માર્કેટ બંધ રાખી ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વ્યારા APMCનું બપોરનું શાકભાજી (ભીંડા) બજાર રવિવારથી રાબેતા મુજબ શરૂ થયું હતું. ખેડૂતોને ભીંડાનો ભાવ રૂ.200થી 600 સુધીના આપવામાં આવ્યાનું વહીવટી તંત્રે જણાવ્યું હતું.આશરે ચારેક દિવસ પહેલાં વ્યારા માર્કેટમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થતાં તોડફોડ થઈ હતી. અગાઉ વેપારીઓ મણ ભીંડાનો ભાવ રૂ.600થી 800 સુધીનો આપતા હતા, તે ભાવ રૂ.235નો બોલાતાં ખેડૂતોનો આક્રોશ જે-તે સમયે ચરમસીમાએ જોવા મળ્યો હતો. ખેડૂતોએ યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી ભીંડા માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું. માર્કેટના વહીવટકર્તાઓના જણાવ્યા મુજબ માર્કેટ ડાઉન હોવાથી વેપારીઓ ખેડૂતોને ભીંડાનો મણનો રૂ.235નો ભાવ આપી રહ્યા હતા, તેના બદલે તેઓએ મણના રૂ.315 કરાવ્યા, પણ ખેડૂતોએ આ ભાવ સ્વીકાર્યો ન હતો. જો કે, રવિવારે માર્કેટ ખૂલતા બંધની અસર જોવા મળી હતી. જેમાં આ જ ભીંડાનો ભાવ રૂ.200થી રૂ.600 સુધીનો બોલાયો હતો.
