એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે એનસીપી નેતા અનિલ દેશમુખ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે જેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ હતું. 100 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ નોટિસ જારી કરાઈ છે, આ કેસના કારણે તેમને પોતાનો પદ છોડવાની ફરજ પડી હતી. દેશમુખને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટીસ જારી કરાયુ છે, એમ ઈડીના સૂત્રોએ કહ્યુ હતું. તપાસ સંસ્થાએ તેમને કેટલાંક સમન્સ જારી કર્યા હતા પણ તેઓ સંસ્થાના અધિકારીઓ સામે હાજર રહ્યા ન હતાં. આ કેસમાં તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે માટેની અરજી સર્વોચ્ચ અદાલતમાં તેમણે દાખલ કરી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે 71 વર્ષીય નેતા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે 100 કરોડની લાંચ ભેગી કરવા કહ્યુ હતું તેના આધારે સીબીઆઈએ ભ્રષ્ટાચારનો એક કેસ દાખલ કર્યો હતો જેના આધારે ઈડીએ દેશમુખ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે દેશમુખ સતત કહી રહ્યા છે કે તેમણે કોઈ ગેરકાયદે કામ કર્યુ નથી.
