પારડી ચિવલ રોડ પર ભાસ્કર ધૃતી અંગ્રેજી માધ્યમ સ્કૂલ સામે તળાવની પાળ ઉપર આવેલા ભંગારના ગોડાઉન અને બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા. જો કે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પારડી(PARDI)ના તળાવની પાળ પાસે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલી સોનાની કાનની બુટ્ટી, મંગળસૂત્ર, સોના ચાંદીની વિટી મળી અંદાજે 30 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. જ્યારે મકાન બંધ કરી સાદીક ભાઈ તેમના વતન જતા તેમના બંધ મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. બાદમાં તસ્કરો સઇદ ભાઈના ભંગારના ગોડાઉનમાં ઓફિસનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ કિંમતી ચીજ વસ્તુ નહીં મળતા ખાલી હાથે પરત ફર્યા હતા. ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં ત્રણ ચોર દેખાયા હતા. ઉપરાંત તળાવની પાળ ઉપરની એક લારી પણ તસ્કરોએ તોડી ચોરીને અંજામ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોરીની ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
