સંસદના ધમાકેદાર ચોમાસુસત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલા હંગામાના કારણે રાજ્યસભાના અધ્યક્ષ વૈકૈયા નાયડું ભાવુક થઇ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષના વર્તનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં જે થઇ રહ્યું છે તેનાથી તેઓ ખૂબ જ દુ:ખી છે. મંગળવારે જ્યારે કેટલાક સાંસદો ટેબલ પર આવ્યા તો ગૃહની ગરિમાને નુકસાન થયું છે અને હું આખી રાત ઊંઘી નથી શક્યો. રાજ્યસભાના અધ્યક્ષ વિપક્ષને સતત કહેતા રહ્યાં હતા કે, સરકારને તમે એ વાત માટે બળજબરી નહીં કરી શકો કે તેમણે શું કરવું જોઇએ અને શું નહીં? સૂત્રોના જણાવ્યા પ્રમાણે સભાપતિ નાયડુ મંગળવારે હંગામો કરી રહેલા અને તેમના સ્થાન તરફ રૂલ બુક ફેંકવાવાળા સાંસદો પર કાર્યવાહી કરી શકે તેમ છે. આ પહેલા આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ, ગૃહના નેતા પિયુષ ગોયલ અને ભાજપના અન્ય સાંસદોએ બુધવારે સવારે વૈકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારે શોરબકોરની વચ્ચે લોકસભા પણ અનિશ્ચીત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવી છે અને બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પણ 12 વાગ્યે અટકાવી દેવામાં આવી હતી.
હવે મોનસુન સત્ર માત્ર બે દિવસ જ ચાલવાનું છે. આ પહેલા સોમવારે જ્યારે કેટલાંક વિપક્ષી સાંસદોએ રજૂ કરેલા ઠરાવ પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે હાજર નહીં રહેલા સાંસદોની વિગતો રજૂ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય બાબતોના પ્રધાનને કહ્યું છે એમ વર્તુળોએ જણાવ્યું હતું. આ ઠરાવમાં માગ કરાઇ હતી કે ટ્રિબ્યુનલ્સ સુધારા ખરડો ગૃહની પ્રવર સમિતિને મોકલવામાં આવે. જો કે તે નિરસ્ત થયો હતો. મંગળવારે ભાજપ સંસદીય પક્ષની મીટિંગમાં બોલતા મોદીએ ગેરહાજરી બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીને મતદાન થયું ત્યારે હાજર નહીં રહેલા સભ્યોની વિગતો આપવા કહ્યું હતું. વર્તુળોએ જણાવ્યું કે મોદીની આગેવાનીમાં ભાજપ સંંસદીય પક્ષ દ્વારા ઑલિમ્પિક્સ મેડલ વિજેતાઓને સ્ટેન્ડિંગ ઑવેશન આપવામાં આવ્યું હતું.