રામપુરામાં મોડી રાત્રે મોસીન કાલીયા અને વલીઉલ્લાના પુત્રની વચ્ચે ગેંગવોર થઇ હતી. દારૂ અને જુગારના ધંધાની હરીફાઇમાં આ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે, પરંતુ આ બાબતે પોલીસે મૌન પાળ્યુ હતુ. મોસીન કાલીયાએ પોતાના સાગરીતો સાથે મળીને વલીઉલ્લાના ભાઇ ઉપર હુમલો કર્યો હતો અને તલવારથી તોડફોડ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. આ બાબતે રાત્રીના સમયે જ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રામપુરા રાજાવાડી ડાયાભાઇની ચાલ પાસે માથાભારે ગણાતા વલીઉલ્લાના ભાઇ બરકત ઇનાયત પઠાણની ઓફિસ આવી છે. મંગળવારે રાત્રીના સમયે બરકત અને ઍઝાઝ અન્સારી ઓફિસમાં બેઠા હતા તે વખતે માથાભારે મોસીન ઉર્ફે કાલીયો સબીરખાન (રહે, હોડી બંગલા), ઍઝાઝ ઉર્ફે લાલુ વારસી, (રહે, વારસી ટેકરો હોડી બંગલા), આસીફ તલવાર ઉર્ફે આસીફ કેલા (રહે,ગંધ્વાળ ટેકરો સલાબતપુરા), વસીમ ડોફો, ઓસામા, મોઈનુદીન સૈયદ અને મોસીનનો ભાણીયો ઘાતક હથિયારો લઇને આવ્યા હતા. આ તમામએ ગાડીઓની તોડફોડ કરીને બરકતખાન ઉપર તલવારથી હુમલો કરતા તેની આંગળી કપાઇ ગઇ હતી. બરકત પઠાણ વલીઉલ્લાનો ભાઇ છે, અને દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવતો હતો. બીજી તરફ મોસીન પણ દારૂનો વેપાર કરતો હતો. બંને વચ્ચે વર્ચવસ્વને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. એક મહિના પહેલા બરકત પઠાણના માણસો અને મોસીન કાલીયાના માણસો માથાકૂટ થઇ હતી. મોસીન કાલીયાના માણસોની સામે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ બરત પઠાણે કરી હતી, આ ફરિયાદ પરત ખેંચી લેવા માટે પણ આ હુમલો કરાયો હોવાનું કહેવાઇ રહ્યું છે. મોડી રાત્રે ઓફિસમાં તોડફોડ તેમજ મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. રાત્રીના સમયે જ લાલગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
