કોરોનાની સારવાર હેઠળના એક એશિયાટીક સિંહે બુધવારે દમ તોડી દીધો હતો. અહી, છેલ્લા બે અઠવાડિયાના સમયમાં પ્રાણી સંગ્રહાલયમાં આ બીજું માંસાહારી પ્રાણી છે જે કોરોના વાયરસનો શિકાર બન્યું છે. આ અગાઉ, સિંહણ કોરોનાનો પ્રથમ શિકાર બની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 વર્ષના સિંહને ઉપનગરીય વંદલુંર ખાતે આવેલા આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કના સફારી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. એએઝેડપીના નાયબ નિયામકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોનાની સઘન સારવાર કરવામાં આવી રહી હતી. કોરોના સંક્રમણના કારણે થયેલી આ બીજી દુર્ઘટના છે. આ અગાઉ, કોરોના સંક્રમણથી 3 જૂને નવ વર્ષિય સિંહણનું મોત થયુ હતું. તેમજ, કુલ 14 માંથી સાત સિંહોને ચેપ લાગ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, ત્રણ સિંહો સારવાર માટે ધીમે ધીમે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં પણ સિંહોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતાં. જો કે, ત્યારબાદ તેની કાળજી લેવામાં આવી હતી. પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ થાય તે ખૂબ જ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે. હાલમાં જ્યારે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે ત્યારે હવે પ્રાણીઓમાં તેનું સંક્રમણ દેખાતા આરોગ્ય તંત્ર માટે નવી સમસ્યા ઉભી થઇ શકે તેમ છે. ખાસ કરીને જો ઝૂમાં રહેતા પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ હોય તો તે અન્ય પ્રાણીઓમાં ફેલાવાની શક્યતા પણ નકાર શકાય તેમ નથી. હવે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર પણ કોરોનાના કેસ પ્રાણીઓમાં નહીં ફેલાઇ તે માટેની તૈયારીમાં લાગી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
