ઉકાઇ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી વરસાદ થોડો શાંત પડયો છે. પરંતુ કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેવા પામી છે. જેને કારણે ઉકાઈ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 ગેટ ખોલીને સતત એક લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ છે. પાણીના વપરાશ માટે સમગ્ર દક્ષિણ ગુજરાત જેના ઉપર નિર્ભર છે તે ઉકાઈ ડેમ છેલ્લે છેલ્લે વરૂણ દેવે છલોછલ ભરી નાખ્યો છે. ચોમાસાના શરૂઆતના બે મહિના ઉપરવાસમાં વરસાદની કંગાળ સ્થિતિને જોતા જાણે આ વર્ષે ડેમ ખાલી રહી જશે તેવી ભીતિ ડેમના સત્તાધીશોમાં જોવા મળી હતી. પરંતુ ઓગસ્ટ બાદ પણ ડેમની આ જ પરિસ્થિતિ વધારે ચિંતાનું કારણ બની હતી. ધરતીપુત્ર પણ ચિંતાતુર બન્યા હતા. દરમિયાન છેલ્લા પંદર દિવસમાં વરુણ દેવ પ્રસન્ન થતા ઉપરવાસમાં થયેલા વરસાદે ઉકાઈ ડેમ ને છલોછલ ભરી નાખ્યો છે. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી તબક્કાવાર પાણીનો મોટો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે.

આજે ઉકાઈ ડેમના 22 માંથી 1 ગેટ ત્રણ ફુટ અને 9 ગેટ ચાર ફુટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી છોડાતા પાણીથી તાપી નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી દેખાઈ છે. ઉકાઈ ડેમમાં આજે સાંજે પાણીની આલક 28 હજાર ક્યુસેક હતી જ્યારે સપાટી ઘટીને 340.63 ફુટે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *