જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી

બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે માંગ કરતા કોર્ટે આગામી તા.29 મેના સુધીના 1 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી મહિલાનો મિત્ર હાલ ફરાર છે. જેની શોધખોળ શરૂ કરાઇ હતી. બીલીમોરા સોમનાથ મંદિર પાછળ જગદીશ નગરમાં દીપ બંગલોઝમાં રહેતા જયમીન નીલકંઠભાઈ પટેલ અને તેની પરિણીત બહેન અરિશ્મા બિરેનભાઈ પટેલે જાણીતા જ્વેલર્સ આર.એ.પરીખમાંથી 60.71 લાખની કિંમતનાં 170 તોલા સોનાનાં દાગીનાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા ન હતા. જેમાં બીલીમોરા પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનાં આરોપમાં ભાઈ-બહેનની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન અરિશ્માબેન પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે દેવસર ગામે રહેતા ભાજપ અગ્રણી હર્ષિલ જયેશભાઇ નાયક સાથે સાતેક વર્ષથી મિત્રતા છે અને તમામ દાગીના હર્ષિલને આપ્યા હતા. પોલીસે હર્ષિલની તપાસ કરતા તેના કોઈ સગડ મળ્યા ન હતા. પણ હર્ષિલ નાયકે તેના 10થી વધુ મિત્રોના નામ ઉપર બીલીમોરાની મુથુટ ફિનકોપ લિ.માં દાગીના ગીરવે મૂકી લોન મેળવી હતી. દાગીના ઉપર કેટલા રૂપિયાનું ધિરાણ મેળવ્યું તે હર્ષિલ નાયક સામે આવ્યા બાદ જ જાણી શકાશે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. દરમિયાન બીલીમોરા પોલીસે બંને આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ પુરા થતાં શુક્રવારે બપોરે ગણદેવી કોર્ટના રજુ કરતા વધુ 1 દિવસના રિમાન્ડ અપાયા છે. સમગ્ર મામલે બીલીમોરા પોલીસ પીએસઆઇ કૌશલ વસાવા તપાસ ચલાવી રહ્યા છે. આર.એ.પરીખ જ્વેલર્સને 60.71 લાખનો ચૂનો ચોપડનાર ભાઈ-બહેનના પોલીસ રિમાન્ડ દરમિયાન તેઓએ સોનું દેવસરના તેમના મિત્ર હર્ષિલ નાયકને આપ્યાનું કબૂલ્યું હતું. જેના આધારે પોલીસે શુક્રવારે મોડી સાંજે ગુનો નોંધી તેની શોધખોળ તેજ બનાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે હર્ષિલ નાયક ગણદેવી તાલુકા પંચાયત ચૂંટણીમાં દેવસર-1 સામાન્ય બેઠક ઉપર ભાજપનાં સિમ્બોલ ઉપર વિજેતા બન્યો હતો. જેને પોલીસ શોધી રહી છે. મુખ્ય આરોપીએ લગાવેલા આરોપ સાચા છે કે કેમ એ તો હર્ષિલ નાયકનાં સામે આવ્યા બાદ જ જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *