બીલીમોરાથી વઘઇને જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની આજે બીજા દિવસે બોગી (ડબ્બાઓ) સાથેની ટ્રાયલ શરૂ થતા ડાંગ પંથકમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજોનાં સમયમાં ઇમારતી લાકડા સહીત અન્ય વસ્તુઓ બીલીમોરા સુધી લઈ જવા માટે માલવાહક નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અગાઉ ખનીજ કોલસા પર સંચાલિત આ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસી વસાહત માટે નવલા નજરાણાની સાથે ઐતિહાસિક ધરોહર સમાન બની હતી. પરંતુ થોડા સમય અગાઉ ટ્રેન આર્થિક રીતે ખોટ સાલતી હોવાનું કારણ બતાવી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ટ્રેનનાં બંધનાં નિર્ણયને લઈને બીલીમોરાથી વઘઇ ડાંગ સુધી નારાજગી વ્યાપી જવા પામી હતી અને આગેવાનોએ આ ટ્રેનને ફરીથી ચાલુ કરવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. કોરોનાની મહામારીમાં લોકડાઉનનાં સમયથી બંધ હાલતમાં પડેલી વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની આજે બીજા દિવસે ડબ્બા(બોગીઓ)જોડે ટ્રાયલ લેવાતા આદિવાસી વિસ્તારનાં લોકોની આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જીવંત બની છે. અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નેરોગેજ ટ્રેન અચાનક બંધ થઈ જતા આ ટ્રેન ઇતિહાસ બની જવાની શક્યતા વચ્ચે આ વિસ્તારની જનતામાં પરિવારનો એક સભ્ય ગુમાવવાનાં ડર સાથે નારાજગી જોવા મળી હતી. વઘઇથી બીલીમોરાને જોડતી છુક છૂક ટ્રેન માટે આંદોલનો થયા, રજૂઆતો થઈ, શાસક-વિપક્ષનાં એમ બન્ને પાર્ટીઓએ આ ટ્રેન ચાલુ કરવા માટે રસ દાખવ્યો. જેના ફળસ્વરૂપે આ ટ્રેન પુન: શરૂ કરવાની તૈયારી પુરજોશમાં થઈ રહી છે. વઘઇ-બીલીમોરા ટ્રેનમાં ગતરોજ માત્ર એન્જીન સાથે ટ્રાયલ મારવામાં આવી હતી. જ્યારે આજરોજ પાંચ બોગી ડબ્બાઓ સાથે ટ્રેનની સફર જોવા મળી હતી. મહિનાઓ બાદ ટ્રેનનો હોર્ન સાંભળી આદિવાસી લોકોમાં ખુશી જોવા મળી હતી. અને લોકો કેમેરામાં ફોટોગ્રાફ કાંડારવા લાગ્યા હતા. આદિવાસી વિસ્તારની આ નેરોગેજ ટ્રેન હવે ગણતરીનાં દિવસોમાં જ મુસાફરો સાથે દોડશેનું જણાતા ખુશી વ્યાપી જવા પામી છે.
