ચીખલીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે

ચીખલી પંથકમાં વધુ ત્રણ ઇંચ વરસાદ વરસતા લોકમાતાઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અંતિમ તબક્કામાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા મેઘરાજા મંગળવારની રાત્રે આક્રમક મૂડમાં જણાતા હતા અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ બે કલાકમાં જ 35 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો અને આજે બપોર સુધી ધીમીધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. સતત વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા તો નેશનલ હાઇવેના સમરોલી, થાલા, આલીપોર સહિતના વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાનો અસલ મિજાજ જોવા મળી રહ્યો છે.

રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થતાની સાથે જ અવારનવાર વીજળી ડૂલ થતા એક સમયે અંધારપટ છવાયો હતો. ચીખલી ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદને પગલે કાવેરી નદીમાં પાણીની સપાટી વધીને 11 ફૂટે પહોંચી હતી. આ ઉપરાંત અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ પણ બંને કાંઠે વહી રહી છે. ચીખલી પંથકમાં અત્યાર સુધી ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોને રાહત રહી છે. ઉપરાંત મોટા ભાગના તળાવો છલકાઇ ઉઠ્યા છે. ચીખલી પંથકમાં સીઝનનો કુલ 58 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *