રદ થયેલી કલમ હેઠળ ત્રણ વર્ષથી ગુના દાખલ થઇ રહ્યાં છે

સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું હતું કે તે બાબત આશ્ચર્યજનક અને આઘાતજનક છે કે લોકો સામે હજી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ ૬૬એ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે જે કલમ સર્વોચ્ચ અદાલત દ્વારા ૨૦૧૫ના એક ચુકાદામાં રદ કરવામાં આવી હતી. આ રદ થયેલી કલમમાં એવી જોગવાઇ હતી કે તેના હેઠળ ગુનાહિત ગણાય તેવા મેસેજો પોસ્ટ કરનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડ પણ થઇ શકે. આ કલમ હેઠળ હજી ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા હોવાની બાબતે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ(પીયુસીએલ) દ્વારા અરજી કરવામાં આવી હતી જે અરજી પણ સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી.

જસ્ટિસ આર. એફ. નરીમાન, જસ્ટિસ કે.એમ. જોસેફ અને જસ્ટિસ બી. ગવઇની બનેલી બેન્ચે પૂછ્યું હતું કે શું એ આશ્ચર્યજનક અને આઘાતજનક નથી? જે કાઇં ચાલી રહ્યું છે તે ભયંકર છે એમ બેન્ચે પીયુસીએલ તરફ ઉપસ્થિત થયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજય પરીખને પૂછ્યું હતું. સંજય પરીખે કહ્યું હતું કે આ કલમ હેઠળ હજારો ગુનાઓ દાખલ થયા છે ત્યારે બેન્ચે કહ્યું હતું કે હા, અમે આંકડા જોયા છે અને અમે કશું કરીશું. સરકાર તરફે ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દલીલ કરી હતી કે આઇટી એકટમાં હજી પણ આ કલમ દેખાય છે અને તે રદ કરવામાં આવી છે એમ ફૂટનોટમાં જ લખ્યું છે. આ પછી બેન્ચે કહ્યું હતું કે બે સપ્તાહમાં જવાબ રજુ કરો. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શ્રેયા સિંઘલ કેસનો ચુકાદો આપતી વખતે સર્વોચ્ચે અદાલતે આઇટી એક્ટની કલમ ૬૬એને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *