ચીખલી ગણદેવીની ટ્રકોની હડતાળનો સુખદ અંત

ચીખલીમાં છેલ્લા કેટલાંક સમયથી ટ્રક માલિકોએ હડતાળ પાડી હતી. ખાસ કરીને આ ટ્રકમાં લોકલ ફેરા મારતી ટ્રકો જોડાઇ હતી અને તેઓ તેમની કેટલીક માગણી સાથે હડતાળ પર હતાં જો કે, પાંચ દિવસથી ચાલી રહેલી આ હડતાળ અંતે સમાપ્ત થઇ ગઇ છે. આ આખા મુદ્દા પર નજર કરીએ તો આ વિસ્તારની ટ્રકો કપચીની ક્વોરીઓમાં ચાલતી હોય છે એટલે કે, તેઓ સુરત કપચી લઇને આવે તો તેમની ચીખલીથી સુરતની સિંગલ સાઇડનું ભાડું જ મળતું હોય છે જ્યારે સુરતથી કોલસી કે અન્ય કોઇ સામાન ભરીને ચીખલી તરફ જતી ટ્રક રિટર્નમાં કપચી ભરીને આવી જતી હોય છે જેના કારણે તેઓ ઓછા ભાડામાં પણ કામ કરી લેતા હોય છે પરંતુ તેનું આર્થિક ભારણ આ વિસ્તારના ટ્રક ઓનર્સે ઉપાડવું પડતું હોય છે. તેથી રિટર્ન ભાડું ભરી ટ્રકો સામે તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું પરંતુ હવે તેમની હડતાળનો અંત આવી ગયો છે. દક્ષિણ ગુજરાત ગણદેવી-ચીખલી ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનની સુરતના હજીરા-મગદલ્લા વિસ્તારમાં સિમેન્ટ, કોલસી ભરીને આવતી ટ્રકો પરત ખાલી જતી વેળા ચીખલી વિસ્તારની ક્વોરીમાંથી ખનીજ ન ભરી આપવાની માંગ કવોરી એસોસીએશન દ્વારા સંતોષાતા પાંચ દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો છે.

ક્વોરી એસોસિએશને આવી ટ્રકોમાં કપચી, રબલ જેવી ખનીજો નહીં ભીર આપવાની ખાતરી આપતા આ હડતાળ સંકેલાઇ છે. રવિવારના રોજ ટ્રક એસો.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઇ, અગ્રણી ચેતનસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા કવોરી એસો.ના પ્રમુખ સલીમભાઇ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજપૂત ઉપરાંત કિશોરભાઇ પટેલ, સુરેશભાઇ પાર્થ, મુકેશભાઇ ફળદુ, બિલાલભાઇ, દેવજીભાઇ ગોંડલિયા સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *