ગણદેવી તાલુકાના કછોલી ગામે કેરી ચોરી મામલે હળપતિઓ અને અનાવિલો વચ્ચે ગંભીર બબાલ થતાં મામલો થાળે પાડવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે વળતાંમાં ટોળાંએ પથ્થરમારો કરતાં જિલ્લા પોલીસ વડા, તેમના કમાન્ડો અને બીલીમોરાના પીએસઆઇને ઇજા થતાં પોલીસે હવામાં 4 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. એ બાદ જિલ્લાની પોલીસ ખડકી દેવાઇ છે. પોલીસે એ બાદ પચાસથી વધુના ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધીને 17ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ લખાય છે, ત્યારે કછોલી ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળે છે. પોલીસે સોમવારે નોંધેલી એફઆઇઆરમાંથી મળતી માહિતી મુજબ કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતાં 5 આદિવાસી યુવાનો શનિવારે બપોરે નિમેશ સુરેશભાઇ નાયકની વાડીમાં કેરી ચોરી કરવા ગયા હતા. જો કે એ સમયે વાડીઓના માલિકોએ આ પાંચ પૈકી ત્રણને તેઓએ પકડી લીધા હતા. કેરીની ચોરીને કારણે મોટું આર્થિક નુકશાન થતું હોવાને કારણે વાડીવાળાઓએ એ ત્રણેને બાંધીને ગામમાં ફેરવ્યા હતા. ઉપરાંત એક અનાવિલ અગ્રણીના ઘરમાં ગેસના પ્લાસ્ટિક પાઇપ વડે ખૂબ માર માર્યા હતા. એ બાદ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ગણદેવી પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણે આદિવાસી યુવાનો સામે શનિવાર તા. 17 એપ્રિલના રોજ કોવિડ 19 જાહેરનામાનો ભંગનો કેસ નોંધી બીજા દિવસે એ ત્રણેને જામીન પર છોડી મૂકયા હતા.જો કે કેરી ચોરી મામલે ત્રણે આદિવાસી યુવાનોને બાંધીને ગામમાં ફેરવીને માર મારી પોલીસને સોંપી દેવાની ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. જેની વાડીની કેરીઓ ચોરાઇ હોય તેઓ મારે તો ઠીક પણ બીજી વાડીઓના માલિક ભેગા થઇને કાયદો હાથમાં કઇ રીતે લઇ શકે એવો સવાલ પણ આદિવાસી સમાજ કરતો હતો. રવિવારે સાંજે આદિવાસીઓનું એક ટોળું વાડીઓના માલિકોને ત્યાં ગયું હતું અને તેને પગલે પોલીસ પણ ગામમાં પહોંચી હતી. પોલીસે આદિવાસી ટોળાંને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળું નહીં સમજતાં મધ્ય રાત્રીએ પોણા એક કલાકે વાત વણસી જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ટોળાંએ સામો પથ્થરમારો કર્યો હતો. એ પથ્થરમારામાં જિલ્લા નાયબ પોલીસવડા એસ.જી. રાણાને કપાળમાં ઈજા થતાં તેમને ૧૦ જેટલા ટાંકા લેવા પડયા હતા. જિલ્લા પોલીસ વડાના કમાન્ડો જીતુભાઈ હરતાનભાઈને માથામાં, બીલીમોરા પીએસઆઈ કેએમ વસાવાના હાથમાં તેમજ બીલીમોરા સીપીઆઇ એમ બી રાઠોડને છાતીમાં પથ્થર વાગ્યો હતો. ટોળું બેકાબુ થતાં સ્થિતિ કાબુમાં લેવા માટે ગણદેવી અને બીલીમોરા પીએસઆઇએ હવામાં બબ્બે રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. ગોળીબારને પગલે ટોળું વિખેરાઇ ગયું હતું. જો કે સ્થિતિ ગમે ત્યારે ફરી વણસી ન જાય અને ગામમાં શાંતિ જળવાયેલી રહે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગણદેવી પીએસઆઈ પરાક્રમસિંહ કછવાહાએ ૫0થી વધુ લોકોનાં ટોળા સામે ફરિયાદ આપતાં રાયોટિંગ, નેશનલ ડિઝાસ્ટર એકટ એપેડેમિક એકટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ટોળામાં સામેલ અન્યોને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
