સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત 60હજાર પોંઇન્ટથી ઉપર બંધ

રોકાણકારોએ બૅન્કિંગ, ફાયનાન્સ અને ઑટો શૅરોમાં નીરસ વૈશ્વિક હવામાન છતાં લેવાલી ચાલુ રાખતા આજે મુંબઈ શૅરબજારના સેન્સેક્સે 60000ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. 30 શૅરોનો સેન્સેક્સ 163.11 પૉઇન્ટ્સ એટલે કે 0.27% વધીને 60048.47ની સર્વોચ્ચ-સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં તેણે 60333ની ઑલ ટાઇમ હાઇ પિક બનાવી હતી. એવી જ રીતે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 30.25 એટલે કે 0.17% વધીને 17853.20ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન તેણે 17947.65ની હાઇ બનાવી હતી. સેન્સેક્સને 1000 પોઇન્ટસથી 60000ની સપાટી સર કરવામાં 31 વર્ષો લાગ્યા છે. તેને 30000 થતાં 25 વર્ષ લાગ્યા હતા. જ્યારે 30000થી 60000 માત્ર છ વર્ષ લાગ્યા છે જે બજારમાં એકંદર તેજીની સંકેત આપે છે.

છેલ્લા 10000 પોઇન્ટ્સ પણ રેકોર્ડ ગતિએ વધ્યા છે. આ વર્ષના જાન્યુઆરીમાં જ સેન્સેક્સ 50000 થયો હતો. સેન્સેક્સના શૅરોમાં એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ 3.72% વધ્યો હતો, ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી બૅન્ક, ભારતી એરટેલ, મારૂતિ અને ઇન્ફોસીસ વધ્યા હતા. બીજી બાજુ ટાટા સ્ટીલ, એસબીઆઇ, એક્સિસ બૅન્ક, આઇટીસી, એચયુએલ, એનટીપીસી અને બજાજ ફાયનાન્સ 3.60% સુધી ઘટ્યા હતા. સેક્ટર મુજબ વાત કરીએ તો બીએસઈ ટેલિકોમ, રિયાલ્ટી, ટેકનોલોજી અને ઑટો ઈન્ડેક્સ 2.77% સુધી ઉછળ્યા હતા. મેટલ, હેલ્થકેર, બેઝિક મટિરિયલ્સ અને એફએમસીજી 2.31% સુધી ઘટ્યા હતા. બ્રોડર બીએસઈ મિડકેપ અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.16% સુધી ઘટ્યા હતા.

સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ 1032.58 પોઇન્ટ્સ એટલે કે 1.74% વધ્યો છે જ્યારે નિફ્ટીમાં 268.05 પોઇન્ટ્સ-1.52%નો વધારો નોંધાયો છે. કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે કહ્યું કે 60000ના લેવલે પણ અમારી રોકાણકારો માટે સ્લાહ પસંદગીના શૅરો ખરીદવાની છે. મોટા ભાગે બજારમાં એ સાબિત થયું છે કે ઇન્ડેક્સનું લેવલ એક સંખ્યા માત્ર છે. જો કે ખરીદી ટુકડે ટુકડે કરવી. ચીનના એવરગ્રાન્ડે ગ્રૂપ અંગેની ચિંતાઓને લીધે આજે વૈશ્વિક બજારો નબળા રહ્યા હતા. એશિયામાં શાંઘાઇ, સિઓલ અને હૉગકૉંગનાં બજારો ઘટીને બંધ રહ્યા જ્યારે ટોક્યો વધીને. યુરોપમાં બજારો ઘટીને ખુલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *