ગુજરાતમાં ધો. 9 થી 12ના વર્ગો શરૂ કરવા સંચાલકોની માંગ

તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વેપારી સંસ્થાઓને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગ તરફ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. દરમિાયન સોમવારે ગુજરાત રાજયના દરેક જિલ્લામાં શાળા સંચાલકો અને શિક્ષકોએ સાથે મળી સરકાર સમક્ષ શાળાઓ ખોલવા ઉગ્ર માંગ કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબૂમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટ્યુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે? પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓને ફરી શરુ કરવા તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ.

ટ્યુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યુશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજૂરી અપાતી નથી તે આશ્ચર્યજનક છે. તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકસાન થયુ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે. સોમવારે ૧૯ જુલાઇના રોજ તમામ શાળા સંચાલકોએ સમગ્ર રાજયમાં દરેક જિલ્લા ખાતે આવેદન આપી શાળાઓ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરી છે. તેમ છતાં જો સરકાર માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. અને બે દિવસ બાદ શાળાઓ ચાલુ કરવા ચિમકી આપવામાં આવી છે.

આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, શ્રી એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજક મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુએ રજૂઆતો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં શાળાઓ ઉપર માત્ર શિક્ષકો જ નહીં પરંતુ અનેક લોકો નભતા હોય છે. ખાસ કરીને સ્કૂલની વર્દી મારતા એટલે કે બાળકોને ઘરેથી શાળા અને શાળાએથી ઘરે લઇ જવાનું કામકાજ કરતા વાન ચાલકો પણ છેલ્લા દોઢ વર્ષથી બેકાર છે. જેમની પાસે પોતાની સ્કૂલવાન છે તે તો અન્ય કંઇ પણ કામ કરીને ગુજરાત ચલાવી લે છે પરંતુ જેમણે સ્કૂલવાન લોન પર લીધી છે તેમની આવક બંધ થઇ જતાં લોનની ભરપાઇ કરી શકે તેવી સ્થિતિમાં તેઓ રહ્યાં નથી અને હવે ક્યારે તેમને રોજી રોટી મળવાનું શરૂ થશે તે પણ હાલના સંજોગોમાં કહી શકાય તેમ નથી.

તેવી જ રીતે શાળામાં શૈક્ષણિક કાર્ય સિવાય ચાલતી અધર એક્ટિવિટી પણ બંધ થઇ ગઇ હોવાથી સ્કેટિંગ, કરાટે, એરોબિક્સ, યોગ, ડ્રોઇંગ, ડાન્સના શિક્ષકો પણ બેકાર થઇ ગયા છે અને આવા શિક્ષકોની સંખ્યા પણ સમગ્ર રાજ્યમાં હજારોમાં થવા જાય છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણમાં વારંવાર ઇન્ટરનેટ ખોટકાઇ જવાનો પ્રશ્ન રહે છે જેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ તમામ કારણોસર રાજ્યના તમામ શાળા સંચાલકો માંગ કરી રહ્યાં છે કે હવે ઓનલાઇનને બદલે ફિઝિકલ એજ્યુકેશન શરૂ થઇ જવું જોઇએ. તેઓ એમ પણ કહી રહ્યાં છે કે, પ્રાથમિક શાળાઓ જેમાં ધો. 1 થી 8ના વર્ગો ચાલી રહ્યાં છે તે હાલ પૂરતી બંધ રહે તો કોઇ પ્રશ્ન નથી પરંતુ ધો. 9 થી 12ને તો પરવાનગી આપવી જ જોઇએ. જો કે, તેમની માંગ ઉપર હજી સુધી રાજ્ય સરકારે કોઇ વિચારણા કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *