વલસાડ, વાપી અને પારડીમાં પાંચ ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં બે દિવસમાં સારા વરસાદથી ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. વલસાડ અને પારડીમાં ગુરુવારે દિવસ દરમિયાન ૧૨ કલાકમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે વાપી-ધરમપુર તાલુકામાં દિવસ દરમિયાન ચાર-ચાર ઇંચ વરસાદ(RAIN) ઝીંકાયો હતો. જ્યારે ઉમરગામ તથા કપરાડામાં દિવસ દરમિયાન અઢી-અઢી ઇંચ વરસાદથી ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. વલસાડના અબ્રામા વિસ્તારમાં મણીબાગમાં પાણી ભરાઇ ગયા હતા. તેના કારણે સોસાયટીના લોકોએ ફ્લડ કંટ્રોલને જાણ કરી હતી. વલસાડ(VALSAD)ના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જોકે એક ધારા વરસાદથી આખા જિલ્લામાં ઠંડક પ્રસરી ગઇ હતી. વલસાડ જિલ્લામાં શ્રાવણમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને વલસાડમાં બપોર બાદ વરસાદનું જોર વધ્યું હતું. બપોરે ૧૨થી ૨ દરમિયાન ૩૨ એમએમ એટલે એક ઇંચથી વધુ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે ૨થી ૪ વાગ્યા સુધીમાં વધુ એક ઇંચ વરસાદ ૨૪ એમએમ પડ્યો હતો. જ્યારે સાંજે ૪થી ૬ દરમિયાન ૧૬ એમએમ એટલે કે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારે સવારે ૬થી ૮ વાગ્યા સુધીના બે કલાકમાં ઉમરગામ તાલુકામાં બે ઇંચ વરસાદ એટલે કે ૫૫ એમએમ વરસાદ નોંધાયો હતો.

જ્યારે ૮થી ૧૦ દરમિયાન બે કલાકમાં પારડી તાલુકામાં ૪૦ એમએમ એટલે કે દાઢ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ૧૦થી ૧૨ દરમિયાન ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ૧૬ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન (MONSOON)કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખુદ પાલિકા પ્રમુખના અબ્રામા સ્થિત વોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મણીબાગ સોસાયટી.1 વિસ્તારમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયા હતા. તો હમેશા બને છે એમ છીપવાડ ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને 5 કી. મી.નો ફેરાવો ફરવાની નોબત આવી હતી. વલસાડ નજીકના કોસંબા ભાગડા વડાને જોડતા માર્ગ ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પારડી(PARDI)માં રાત્રીથી પડી રહેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણીનો ભરાવો થઇ જતાં લોકોને મુશ્કેલી સર્જાઇ હતી. પારડીના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે જન જીવન ખોરવાયું હતું. તો બીજી તરફ વરસાદથી ખેડૂતો માં આનંદની લાગણી પ્રસરી હતી. પારડીમાં ઉમરસાડી, વાઘછીપા, ઉદવાડા(UDWADA), પરીયા, સુખેશ વગેરે ગામડાઓ તેમજ શહેરમાં વિસ્તારમાં અગાઉ વરસાદ ખેંચાતાં ખેત વાવેતર પર સંકટનાં વાદળ છવાયાં હતાં.

જોકે વલસાડ જિલ્લામાં અણીના સમયે કાચા સોનારૂપી વરસાદ આજે વરસતાં ખેડૂતોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડમાં ગુરુવારે ભારે વરસાદ(RAIN) વચ્ચે અબ્રામા વાલિયા ફળિયાથી હાઇવે તરફ જતા માર્ગ ઉપર વીજપોલ ધરાશાયી થયો હતો. જીવંત વિજતાર માર્ગ વચ્ચે પડતા કોઈએ પાલિકા સભ્યને જાણ કરતા તેમણે ત્વરિત વીજ કંપનીને જાણ કરતા વીજ પ્રવાહ બંધ કરતા મોટી દુર્ઘટના ટાળી શકાય હતી. ઘટનામાં માર્ગની બાજુમાં પાર્ક કરેલી બાઇક સવાર અને દુકાનદારનો બચાવ થયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ વચ્ચે પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ મોગરાવાડી અબ્રામા થઈ હાઇવેને જોડતા માર્ગ ઉપર વાલિયા ફળીયા નજીક વીજળીના બે થી ત્રણ થાંભલા પડી ગયા હતા. જે પૈકી એક વીજપોલ પશુપાલકની પાર્ક કરેલી બાઇક ઉપર પડતા બાઇકને નુકશાન થયું હતું. જોકે ઘટનામાં બાઇક સવાર પશુ પાલકનો બચાવ થયો હતો. તો નજીકમાં દુકાન ધરાવતા અરવિંદભાઈ દુકાન ખોલે તે અગાઉ જ વીજ પોલ પડતા તેમનો બચાવ થયો હતો.

ઘટના અંગે પાલિકાના સભ્ય ઝાકીર પઠાણને જાણ કરતા તેમણે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મોગરાવાડી અબ્રામા સબ ડિવિઝનના ઈજનેર કે.આર.પટેલને જાણ કરતા સ્ટાફને મોકલી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *