વાપી જીઆઇડીસીમાં ક્રેઇનના ધંધાની અદાવતમાં હુમલો

વાપી(VAPI)ના કોચરવા કુંભાર ફળિયામાં રહેતા ક્રેનના માલિકને તેના ફળિયામાં જ રહેતા ત્રણ શખ્સોએ ક્રેનનો ધંધો વાપી જીઆઇડીસીમાં નહીં કરવા માટે મારી નાંખવાની ધમકી આપી હતી. પાંચેક મહિના પહેલાં પણ આ લોકોએ ક્રેનના મામલે તેના માલિકને માર પણ માર્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભંગારના ધંધામાં જેમ દમણમાં દાદાગીરી કરવામાં આવે છે તેવી દાદાગીરી હવે ક્રેનનો ધંધો કરવા માટે અન્ય સંચાલકને મારી નાંખવાની ધમકી આપતો કિસ્સો વાપી જીઆઇડીસી(GIDC)માં બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વાપી જીઆઇડીસીમાં છેલ્લા આઠેક વર્ષથી ક્રેનનો ધંધો કરતા કોચરવા કુંભાર ફળિયાના રહેવાસી નિતીનભાઇ ધીરૂભાઇ પટેલ ગુરુવારે વાપી જીઆઇડીસીમાં થર્ડ ફેસમાં પાણીની ટાંકી સામે ક્રેન સાથે તેના ડ્રાઇવર હાજર હતા ત્યારે કોચરવાના ત્રણ શખ્સોએ આવીને ધમકી આપી હતી. કોચરવા કંભાર ફળિયામાં જ રહેતા શરદ ઉર્ફે શદિયો દયાળભાઇ પટેલ, સિધ્ધાર્થ ઉર્ફે અમીત દયાળભાઇ પટેલ તથા દીપકુમાર બળવંત ઉર્ફે બલ્લુભાઇએ આવીને ધમકી આપી હતી કે ‘વાપી જીઆઇડીસીમાં તારી ક્રેન મારફતે કેમ કામ કરાવે છે’. તેવું કહીને ગાળો આપીને હાથ પગ તોડી નાંખવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ મહિનામાં પણ ચાર ઓગસ્ટે ધમકી(THREAT) આપી હતી. ગુરુવારે ફરી માર મારવાની ધમકી આપતા આ અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ આરોપી શરદ ઉર્ફે શદિયો પટેલ પણ ક્રેનનો ધંધો કરે છે. જ્યારે તેના ફળિયામાં જ રહેતા નિતીનભાઇ પટેલ આઠેક વર્ષથી ક્રેનનો ધંધો કરે છે. હવે શરદ તેને ધમકી આપે છે કે વાપી જીઆઇડીસી વિસ્તારમાં ક્રેન(CRAIN)નો ધંધો તેણે નહીં કરવાનો. આમ હવે ક્રેનનો ધંધાને લઇને હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. દમણમાં ભંગારના ધંધાને લઇને આવી દાદાગીરીના બનાવ વારંવાર બનતા જોવા મળ્યા છે. ત્યારે વાપી જીઆઇડીસીમાં ક્રેનના ધંધાને લઇને દાદાગીરીના આ બનાવમાં પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *