શહેરના અડાજણ (ADAJAN) વિસ્તારમાં હની પાર્ક રોડ પરની એક કોસ્મેટિકની દુકાનમાં સાંજના સાડા ચાર વાગ્યના અરસામાં ઇલેકટ્રીક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર(FIRE) વિભાગને જાણ થતાં અડાજણ અને પાલનપુર પાટિયાના ફાયર સ્ટેશનના લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી હતી જ્યાં લાશ્કરોએ આગ પર અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનનો બધો જ સામાન બળી ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું. અડાજણ ફાયર સ્ટેશનના ઓફિસર ઈશ્વર પટેલ એ જણાવ્યું હતું કે, અડાજણના હની પાર્ક રોડ પરના એક કોસ્મેટિકની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં જોરદાર ધડાકા-ભડાકાના અવાજ સાંભળતા આજુબાજુ ના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આગ વધુ ફેલાઇ હોય એમ કહી શકાય છે. દુકાનમાં ફટાકડા હોવાનુ પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું.
