નવસારી જિલ્લામાં શનિવારે વરસાદ યથાવત રહેતા ખેરગામ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે આજે નવસારીમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત ગુરૂવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જોકે ગત 2 દિવસથી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગત શુક્રવારે સાંજે 6 વાગ્યેથી આજે શનિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ચીખલી તાલુકામાં 35 મિ.મી. (1.4 ઇંચ), ખેરગામ તાલુકામાં 34 મિ.મી. (1.4 ઇંચ), વાંસદા તાલુકામાં 22 મિ.મી. (0.9 ઇંચ), નવસારી તાલુકામાં 12 મિ.મી. (0.5 ઇંચ), ગણદેવી તાલુકામાં 11 મિ.મી. (0.4 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 10 મિ.મી. (0.4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. નવસારી ગત 2 દિવસ વરસાદ પડતાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ ગત રોજ હળવો વરસાદ પડતા તાપમાનમાં વધારો થયો હતો. જોકે આજે વરસાદી ઝાપટા પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો થતાં 27.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબદ વધીને 89 ટકા રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે 2.9 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડક વર્તાઈ હતી.




