રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં હાજર રહી કહ્યું મને કંઇ જ ખબર નથી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે સુરત આવ્યા હતા અને ત્યાર બાદ કોર્ટમાં હાજરી આપીને તરત જ પરત દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. તેઓ કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવ્યા હતા. સવારે તેઓ સુરત આવી ગયા હતા અને લંચ લીધા વગર જ દિલ્હી પરત થવા માટે રવાના થઇ ગયા હતા. રાહુલ ગાંધીએ તેમના પ્રવચનોમાં વારંવાર કહ્યું હતું કે, દરેક ચોર શા માટે મોદી જ હોય છે. લલિત મોદી અને નિરવ મોદીને ટાંકીને તેમણે ભાજપના લીડર તરફ નિશાન તાક્યું હતું. જો કે, તેમની આ વાતથી નારાજ થઇને ભાજપના સુરત પશ્વિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી દરેક મોદીને ચોર કહે છે જેના કારણે તેમના સમાજની બદનામી થઇ છે. તેમની લાગણી દુભાઇ છે. આમ તેમણે રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અગાઉ પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.આજે હાજર રહીને રાહુલ ગાંધીએ કોર્ટના જવાબ આપ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને તેમના ભાષણ અંગેના સવાલો પૂછ્યા હતાં ત્યારે રાહુલ ગાંધીએ તમામ સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે, મને કંઇ જ ખબર નથી. ત્યાર બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની સુરતની કોર્ટમાં આ બીજી વખતની હાજરી છે. આ પહેલા પણ તેઓ આ જ માનહાનિના કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. તે સમયે રાહુલ ગાંધીના કિરિટ પાનવાલાએ દલીલ કરી હતી કે મોદી કોઇ સમાજનું નામ નથી મોદી અનેક સમાજમાં આવતી અટક છે. અઠવાલાઇન્સ ખાતે આવેલી સુરતની કોર્ટમાં હાજરી આપ્યા પછી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સીધા જ એરપોર્ટ જવા રવાના થઇ ગયા હતા અને ત્યાંથી દિલ્હી ગયા હતા. રાહુલ ગાંધીના સુરતના આગમનથી ગુજરાત કોંગ્રેસમાં ફરી સંચાર જોવા મળ્યો હતો અને ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ એક જ સ્થળે એક સાથે હાજર જોવા મળ્યા હતા જો કે, મહત્વની બાબત એ છે કે, રાહુલ ગાંધી કોઇ પોલિટિકલ એજન્ડા માટે નહીં પરંતુ કાનૂની લડાઇ માટે સુરત આવ્યા હતા. હવે પછીની સુનાવણીમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવું પડશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *