આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના: હવામાન વિભાગ

ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદના પ્રથમ સમયગાળાની આગાહી જાહેર કરતાં આ વાત કહી હતી. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને કૃષિ ઉત્તમ ઉત્પાદન કરવામાં મદદ કરશે. એલપીએ, 1961-2010 દરમિયાન દેશમાં મોસમનો સરેરાશ વરસાદ, 88 સે.મી.ને આધારે નક્કી કરવામાં આવે છે. આ સમાચાર અર્થતંત્રને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશની અર્થવ્યવસ્થાના પ્રાથમિક પાયા પૈકી એક છે, જે મોટાભાગે કૃષિ અને તેની સાથી પ્રવૃત્તિઓ પર આધારિત છે. દેશના મોટા ભાગો ખેતી માટે અને જળાશયો ભરવા માટે ચાર મહિનાની વરસાદની સિઝન પર આધાર રાખે છે. આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ અવકાશી વિતરણ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *